જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાની વાણિજ્ય રાજધાની જોહાનિસબર્ગ 14,600 મિલિયોનેર સાથે આફ્રિકા ખંડમાં સૌથી ધનવાન શહેર છે. આફ્રિકા ખંડના 56 ટકા મિલિયોનેર અને 90 ટકા બિલિયોનેર ‘બિગ ફાઈવ’ દેશો- સાઉથ આફ્રિકા, ઈજિપ્ત, નાઈજિરિયા, કેન્યા અને મોરોક્કોમાં છે.
વર્લ્ડસ વેલ્ધીએસ્ટ સિટીઝ રિપોર્ટ 2023 અનુસાર આફ્રિકા ખંડમાં સૌથી વધુ સંખ્યામાં ડોલરિયા મિલિયોનેર્સ ‘સિટી ઓફ ગોલ્ડ’ તરીકે ઓળખાતાં જોહાનિસબર્ગમાં હોવા ઉપરાંત, સૌથી મોટું સ્ટોક માર્કેટ પણ છે. સાઉથ આફ્રિકાના GDPમાં તેનો ફાળો 40 ટકા છે. સમગ્ર વિશ્વમાં ન્યુ યોર્ક સિટી, ટોક્યો, ધ બે એરિયા, લંડન, સિંગાપોર, લોસ એન્જલસ, હોંગ કોંગ, બીજિંગ, શાંઘાઈ અને સિડની હાઈ નેથ-વર્થ વ્યક્તિઓની સૌથી વધુ સંખ્યા સાથે પ્રથમ 10 ક્રમે છે.
આ રિપોર્ટ મુજબ 6.2 મિલિયન લોકો સાથે સાઉથ આફ્રિકાનું સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર જોહાનિસબર્ગમાં હાઈ નેટવર્થ સાથેના લોકોની સંખ્યા 14,600 છે. તેમાંથી 30 વ્યક્તિ ડોલર સેન્ટિ-મિલિયોનેર અને બે વ્યક્તિ ડોલર બિલિયોનેર છે. જોકે, આ શહેરમાં વર્ષ2022માં 16,000 મિલિયોનેર હતા જેમાં 40 ટકાનો ઘટાડો થયો છે. આસપાસના વિસ્તારોમાં સોનાની અનામતો શોધાયાં પછી 1886માં જોહાનિસબર્ગની સ્થાપના થઈ હતી. વર્ષ 2021માં તેની સંયુક્ત સંપત્તિ 235 બિલિયન ડોલર હતી.
સાઉથ આફ્રિકાનાં અર્થતંત્રને ખરાબ સ્થિતિમાંથી અવારનવાર બહાર લાવનારા જોહાનિસબર્ગને સતત એનર્જી ક્રાઈસીસ, વધતા ફૂગાવા સહિતની સમસ્યા નડી રહી છે. ઈન્વેસ્ટર્સ અને નાણાસંસ્થાઓના દબાણ હેઠળ વૈશ્વિક મનીલોન્ડરિંગ વિરોધી અને ટેરરિઝમ ફાઈનાન્સિંગ વોચડોગ ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) દ્વારા સાઉથ આફ્રિકાને આ વર્ષે જ ગ્રે લિસ્ટમાં મૂકાયેલું છે.