જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાના સૌથી મોટા શહેર જોહાનિસબર્ગના બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં આર્થિક રીતે નબળા માઈગ્રન્ટ્સને વસાવાયા હતા તેવી પાંચ મજલાની ઇમારતમાં 30 ઓગસ્ટ બુધવારની મધરાતે ભીષણ આગ લાગતા 12 બાળક સહિત ઓછામાં ઓછાં 77 લોકોનાં મૃત્યુ થયા હતા તેમજ 50થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. ઇમારતમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડ્સ દ્વારા સંખ્યાબંધ લોકોને બહાર કાઢવામાં સફળતા મળી હતી અને ભારે જહેમતના અંતે ભીષણ આગને કાબુમાં લીધી હતી.
ડેલ્ટર્સ એન્ડ આલ્બર્ટ માર્ગના ખૂણા પરની જર્જરિત ઇમારતમાં આગની ઘટનાને નજરે નિહાળનારા લોકોએ જણાવ્યા મુજબ આગના લીધે ધુમાડાના ગોટેગોટા ઊડી રહ્યા હતા ત્યારે ઇમારતમાં 400થી વધુ લોકો રહેતા હતા. આ લોકોમાં નબળી આર્થિક સ્થિતિના માઈગ્રન્ટ્સ તેમજ મુખ્યત્વે માલાવી, ટાન્ઝાનિયા અને ઝિમ્બાબ્વે અને સાઉથ આફ્રિકન દેશોના એસાઈલમ સીકર્સનો સમાવેશ થતો હતો.
આગ લાગી ત્યારે તેનું એકમાત્ર પ્રવેશદ્વાર બંધ હતું તેથી નાસી છૂટવાનો કોઈ માર્ગ ન હતો. આગમાં સપડાયેલા ઘણા લોકો જીવ બચાવવા બારીઓમાંથી ચાદરો મારફત નીચે ઉતર્યા હતા તો ઘણા લોકોએ બારીઓ તોડી ઉપરથી જ છલાંગો લગાવી હતી. લોકોએ પોતાનો માલસામાન પણ બહાર ફેંક્યો હતો. 12 બાળકો સહિત ઈજાગ્રસ્તોને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.