જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાના સૌથી મોટાં શહેર જોહાનિસબર્ગના વિસ્તારોમાં આજકાલ પાણી મેળવવા હજારો લોકો લાંબી લાઈનો લગાવતા જોવાં મળે છે. ધનવાન અને ગરીબ નાગરિકોએ આ પ્રકારની તીવ્ર અછત કદી નિહાળી નથી. ભારે ગરમીના કારણે જળાશયો સૂકાઈ ગયા છે ત્યારે જળ વ્યવસ્થાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરફ વર્ષોની બેદરકારી ભારે પડી રહી છે. જોકે, દુકાળની સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
વર્ષોથી વીજળીની અછત માટે જાણીતા સાઉથ આફ્રિકામાં મે મહિનામાં ચૂંટણી છે ત્યારે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલી આફ્રિકન નેશનલ કોંગ્રેસની સરકાર માટે સત્તા જાળવવાના ચડાણ કપરાં જણાય છે.
સાઉથ આફ્રિકાના આર્થિક કેન્દ્ર જોહાનિસબર્ગની 6 મિલિયનની વસ્તીમાં મોટા ભાગના લોકો પાણી પહોંચાડતી મ્યુનિસિપલ ટે્ન્કર ટ્રક્સની રાહ જોવા સવારથી કતારોમાં ઉભા રહી જાય છે. અત્યાર સુધી ઘરમાં સ્વિમિંગ પુલ્સ ધરાવતા ધનવાનો પણ કતારોમાં ઉભા રહેવાથી બાકાત રહ્યા નથી. વસ્તીના 32 ટકા લોકો બેરોજગાર છે તેવા દેશમાં પાણીની પાંચ લીટરની બોટલ 25 રેન્ડ (1.30 ડોલર)માં વેચાય છે. રાજધાની પ્રીટોરિયામાં પણ જળસંકટ છે. ગરમીના દિવસોમાં પાણીની જરૂરિયાત અને માગ વધે છે ત્યારે આ શહેરોમાં સપ્તાહોથી ઘરના નળમાં પાણી આવતું નથી.