જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકામાં 2024માં યોજાનાર સામાન્ય ચૂંટણી અગાઉ જ દેશના સૌથી મોટા વિપક્ષી નેતા જ્હોન સ્ટીન્હુઈસેનને ડેમોક્રેટિક એલાયન્સ (DA)ના નેતા તરીકે પુનઃ નિયુક્ત કરાયા છે. પુનઃ નિયુક્તિ પછી જ્હોન સ્ટીન્હુઈસેને વિપક્ષી એકતાની હાકલ કરી પોતાને દેશના વૈકલ્પિક સરકારના નેતા જાહેર કર્યા હતા.
તેમણે એલાયન્સના 2000થી વધુ ડેલિગેસ્ટ સમક્ષ કહ્યું હતું કે આપણે ભ્રષ્ટાચારી ANC સરકારને ઉખાડી ફેંકવાની છે. આફ્રિકન નેશનલ કોંગ્રેસ 1994થી સત્તા પર છે પરંતુ, બેરોજગારી, વધતી અસમાનતા અને ગંભીર વીજ કટોકટી સહિતના કારણોસર ગત દાયકાની ચૂંટણીઓમાં તેની લોકપ્રિયતાનું ધોવાણ થઈ રહ્યું છે. સાઉથ આફ્રિકામાં વીજ કટોકટી એટલી ગંભીર છે કે આશરે 60 મિલિયન સાઉથ આફ્રિકનોને દિવસના 12 કલાક જેટલો સમય વીજળી વિના રહેવું પડે છે.