ઝામ્બિઆમાં ભ્રષ્ટાચારને સાંખી નહી લેવાય – પ્રમુખ હિચીલેમા

Tuesday 14th September 2021 17:16 EDT
 
 

લુસાકાઃ ઝામ્બિઆના નવા પ્રમુખ હકાઈન્દે હિચીલેમાએ સંસદમાં પોતાના પ્રથમ ભાષણમાં ભ્રષ્ટાચાર વિરોધી પ્રયાસોને મજબૂત બનાવવાનું અને કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચારને સહેજ પણ સાંખી નહી લેવાનું વચન આપ્યું હતું. ગયા મહિને ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવનારા હિચીલેમાએ જણાવ્યું કે દેશના અગાઉના શાસન દરમિયાન કથિત રીતે ચોરાયેલી સરકારી માલિકીની સંપતિને પાછી મેળવવા માટે સરકાર નવી વ્યવસ્થા ઘડી કાઢશે. તેમણે ઉમેર્યું કે પ્રામાણિક લોકોને વધુ લાભ અપાશે અને ભ્રષ્ટ લોકોએ તેમના કૃત્યોની કિંમત ચૂકવવી પડશે. તેમણે ભ્રષ્ટાચારના કેસોની સુનાવણી માટે સ્પેશિયલ કોર્ટ્સની રચના કરવા અને તપાસ એજન્સીઓને સક્ષમ બનાવવાનું વચન આપ્યું હતું.

હિચીલેમાએ અનિયમિત ધિરાણ અને ગેરવ્યવસ્થાની અસરને નિશ્ચિત કરવા માટે આર્થિક રિકવરી પ્લાનની રૂપરેખા પણ આપી હતી. તેમણે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી બેઈલઆઉટ ડીલ મેળવવાનું અને પાંચ વર્ષમાં ૧૦ ટકાથી વધુ આર્થિક વિકાસદર હાંસલ કરવાની બાંહેધરી આપી હતી.    
અગાઉ હિચીલેમા નેશનલ એસેમ્બલી આવી પહોંચતા તેમને ૨૧ તોપોના સલામી અપાઈ હતી. પોતાની પત્ની મુટિન્ટા સાથે પ્રવેશ કરતા પહેલા તેમણે ગાર્ડ ઓફ ઓનરનું નિરિક્ષણ કર્યું હતું.
જીવનનિર્વાહનો વધતો ખર્ચ, બેરોજગારી અને દરરોજની હાડમારીઓએ ખાસ કરીને મોટાભાગના યુવા  મતદારોમાં હિચીલેમાની લોકપ્રિયતા વધારી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter