લુસાકાઃ ઝામ્બિયાની સ્વતંત્રતાના જનક અને ૨૭ વર્ષ સુધી દેશ પર શાસન કરનારા પ્રથમ પ્રેસિડેન્ટ કેનેથ કૌંડાનું ૧૭ જૂને ૯૭ વર્ષની વયે નિધન થયું હતું.
કૌડાને ૧૪મી જૂને લુસાકાની મિલિટરી હોસ્પિટલ માઈના સોકો મેડિકલ સેન્ટરમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલમાં તેમને ન્યૂમોનિયાની સારવાર અપાઈ રહી હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું હતું.
પરંતુ, તેમના પુત્ર કામ્બારેજ કૌંડાએ ફેસબુક પર એક પોસ્ટ મૂકીને ઝામ્બિયાના સ્થાપક પ્રેસિડેન્ટનું નિધન થયું હોવાની જાહેરાત કરી હતી. કામ્બારેજે તેમના પિતા માટે પ્રાર્થના કરવા અનુરોધ કર્યો હતો. તેઓ પિતાને મ્ઝી કહીને બોલાવતા હતા.
અગાઉ અફવા ફેલાઈ હતી કે કૌંડા કોવિડથી પીડાય છે. જોકે, આ અફવાને નકારી કાઢતા તેમના સહયોગી રોડરિક ન્ગોલોએ જણાવ્યું હતું કે તેમને ન્યૂમોનિયાની સારવાર અપાઈ રહી છે, તેમને કોવિડ નથી.
કૌડા, બ્રિટિશ શાસનનો અંત લાવનારા કેમ્પેઈનના નેતા હતા. તેઓ ૧૯૬૪માં ઝામ્બિયાના લોકશાહીથી ચૂંટાયેલા પ્રથમ પ્રેસિડેન્ટ બન્યા હતા.
પોતાની અહિંસક પ્રવૃત્તિઓ માટે તેઓ 'આફ્રિકન ગાંધી 'તરીકે જાણીતા થયા હતા. સમાજવાદી કૌંડાએ ઉત્તર રોડેશિયાને ઓક્ટોબર ૧૯૬૪માં એક પણ ટીપું લોહી રેડ્યા વિના આઝાદી અપાવી હતી.
KK તરીકે જાણીતા કૌંડા મુખ્ય રાષ્ટ્રવાદી પક્ષ UNIPના વડા હતા. તેમણે જાહેરમાં જણાવ્યું હતું કે તેમના પુત્રો પૈકી એકનું એઈડ્સની બીમારીને લીધે મૃત્યુ થયું હતું તે પછી તેઓ એઈડ્સ એક્ટિવિસ્ટ બની ગયા હતા.
બહુપક્ષી રાજકારણનો પ્રારંભ થયો તેને પગલે ૧૯૯૧માં યોજાયેલી ચૂંટણીમાં તેઓ હાર્યા ત્યાં સુધી તેમણે દેશનું નેતૃત્વ કર્યું હતું.