લુસાકાઃ ગત ઓગસ્ટમાં પ્રમુખપદે ચૂંટાયેલા ઝામ્બીઆના પ્રમુખ હાકાઈન્ડે હિશિલેમા આઠ મહિનાથી વેતન વિના કામગીરી બજાવી રહ્યા છે. જોકે, હિશિલેમા કહે છે કે પબ્લિક ઓફિસ- જાહેર હોદ્દો ધારણ કરવા માટે પગાર તેમની પ્રેરણા રહ્યો નથી.
પ્રમુખના વેતન અને ભથ્થાંની ચૂકવણી માટે જવાબદાર મંત્રાલયનો દાવો છે કે પ્રમુખ હિશિલેમાએ પ્રજાની સેવા કરવામાં તેમના રસથી પગાર જતો કર્યો છે. પ્રમુખ આઠ મહિનાથી પગાર મેળવી રહ્યા ન હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર આવતા જ ચકચાર જામી ગઈ હતી. પ્રમુખે તેમના વેતન બાબતે જણાવ્યું હતું કે, ‘પગાર કોઈ મોટો મુદ્દો નથી કારણકે જાહેર હોદ્દો મેળવવામાં નાણા કદી પ્રેરણારુપ રહ્યા નથી અને એવું પણ નથી કે સરકાર નાણા ચૂકવવા માગતી નથી. મેં પ્રમુખના પગાર પર ધ્યાન આપ્યું નથી. મારો ઈરાદો અને પ્રેરણા આપણા લોકોનું જીવન કેવી રીતે બહેતર બનાવી શકાય તેના વિશે જ છે.’
59 વર્ષીય હિશિલેમા અર્થશાસ્ત્રી અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સંપર્કો ધરાવતા બિઝનેસમેન છે. વિરોધપક્ષમાં 15 વર્ષ વીતાવ્યા પછી ઓગસ્ટમાં તત્કાલીન પ્રમુખ એડગર લુંગુને એક મિલિયન કરતાં વધુ મતથી હરાવીને પ્રમુખ બન્યા છે. તેમણે ચૂંટણીપ્રચારમાં ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખેડી બીમાર અર્થતંત્રને તંદુરસ્ત બનાવવા અને ખાસ કરીને યુવાવર્ગ સહિત લાખો લોકો માટે રોજગારી સર્જનના વચનો આપ્યા હતા.
દેશની આર્થિક હાલતના સંદર્ભે હિશિલેમાના આ પગલાને માનવીય ચેષ્ટા તરીકે જોવાય છે. જોકે, તેમના પુરોગામી પ્રમુખ લુંગુએ 2016માં 50 ટકાનો વેતનકાપ સ્વીકાર્યો હતો અને ત્રણ વર્ષ પછી વધુ 15થી 20 ટકા વચ્ચે કાપ સ્વીકાર્યો હતો. તેમણે પોતાની સરકારના ઊંચા પગાર મેળતા કેબિનેટ પ્રધાનોને પણ આ નિર્ણય લાગુ કરાવ્યો હતો.ગ ત બે વર્ષમાં વેતનકાપ લેનારા અન્ય આફ્રિકન નેતાઓમાં સાઉથ આફ્રિકાના પ્રમુખ સીરિલ રામાફોસા, ઘાનાના પ્રમુખ નાના આકુફો-અડો, માલાવીના લાઝારસ ચાકવેરા અને કેન્યાના પ્રમુખ ઉહુરા કેન્યાટાનો સમાવેશ થાય છે.