હરારેઃ ઝિમ્બાબ્વેની એક કોર્ટે ઈન્વેસ્ટિગેટિવ પત્રકાર હોપવેલ ચીનોનો સામેનો જાહેર હિંસાને ભડકાવવાના આરોપસરનો કેસ પડતો મૂક્યો હતો. ગયા સોમવારે પાટનગર હરારેની હાઈકોર્ટે ચાર્જશીટમાં ખામીયુક્ત શબ્દો હોવાનું જણાવીને તેમની સામેનો પ્રથમ આરોપ પડતો મૂક્યો હતો. જજ સિયાબોના મુસિતુએ જણાવ્યું કે ચાર્જશીટ અને સરકારી રૂપરેખા વચ્ચેનો દેખાઈ આવતો વિરોધાભાસ ચાર્જશીટને ખરાબ કરે છે અને તે નિરર્થક હોવાનું પૂરવાર કરે છે.
આ કોર્ટે જ ગયા એપ્રિલમાં ખોટી માહિતી પ્રકાશિત કરવા અંગેનો તેમની વિરુદ્ધના આરોપને કોઈ કાનૂની આધાર ન હોવાનું જણાવીને પડતો મૂક્યો હતો.
ચૂકાદા પછી ચીનોનોએ ટ્વીટ કરીને જણાવ્યું કે તેઓ હંમેશા કહેતા આવ્યા છે તેમ તેમની સામેનો કેસ અને તેમની ધરપકડ ખોટી રીતે કરાયા હતા. તેમણે ઉમેર્યું કે તેમણે જે કર્યું જ ન હતું તેને માટે તેમણે છેલ્લાં ૧૫ મહિના જેલ અને કોર્ટમાં જ ગાળ્યા. ખરેખર તે કેવું દયાજનક અને ક્રૂર છે.
ગયા જુલાઈમાં સરકાર વિરોધી દેખાવોનું સમર્થન કર્યા પછી આ ૫૦ વર્ષીય એવોર્ડ વિજેતા અને સ્પષ્ટવક્તા પત્રકારની ત્રણ વખત અટક કરવામાં આવી હતી અને તેઓ બે મહિના જેલમાં રહ્યા હતા. જુલાઈમાં પહેલી વખત તેમની ધરપકડ કરાઈ હતી અને તેમની સામે આરોપ મૂકાયા હતા. તે પછી ગયા નવેમ્બરમાં કથિતરૂપે ન્યાય પ્રક્રિયામાં વિક્ષેપ વિશેની બે ટ્વીટને લીધે અને જાન્યુઆરીમાં ખોટી માહિતી પ્રકાશિત કરવા બદલ તેમને ફરી જેલમાં મોકલાયા હતા. તેમને એક વીડિયો પોસ્ટ કરવા બદલ જેલભેગા કરાયા હતા.
જોકે, ચીનોનોએ હજુ અદાલતી ચૂકાદા પહેલા ટ્વીટ પોસ્ટ કરીને કથિત રૂપે જાહેર ન્યાયમાં વિક્ષેપ પાડવા બદલ ટ્રાયલનો સામનો કરવાનો છે.