હરારેઃ ઝિમ્બાબ્વેએ તેની ખાણોમાંથી ઉત્પાદિત કાચા લિથિયમની નિકાસ પર 20 ડિસેમ્બરથી પ્રતિબંધ લાદ્યો છે. કાચા લિથિયમની વિદેશી કંપનીઓને નિકાસથી દેશને બિલિયન્સ ડોલરની ખોટ જતી હોવાથી આ પગલું લેવાયું હતું. ઝિમ્બાબ્વેની માઈન્સ એન્ડ માઈનિંગ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીએ બેઝ મિનરલ્સ એક્સપોર્ટ કન્ટ્રોલ એક્ટ હેઠળના પગલાં સંદર્ભે જણાવ્યું હતું કે લિથિયમ ખનિજની સાઉથ આફ્રિકા અને યુનાઈટેડ આરબ અમિરાતમાં નિકાસ અને સ્મગલિંગના કારણે દેશને રેવન્યુમાં 1.8 બિલિયન ડોલરની ખોટ ગઈ હતી.
ઊંચી આંતરરાષ્ટ્રીય માગના કારણે ઝિમ્બાબ્વે વિશ્વના લિથિયમના સૌથી મોટા નિકાસકારોમાં એક બની રહે તેમ છે અને લિથિયમની અનામતોનું સંપૂર્ણ ખનન કરાવા સાથે તેની કુલ વૈશ્વિક માગના 20 ટકા નિકાસ કરવાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના 2021ના માઈનિં‘ગ રિપોર્ટ અનુસાર ઝિમ્બાબ્વેની નિકાસની આવકોમાં ખનિજોની નિકાસનો 60 ટકા ફાળો રહ્યો છે અને દેશના GDPમાં માઈનિંગ સેક્ટરનો ફાળો 16 ટકાનો છે. આફ્રિકામાં કાચી લિથિયમ ખનિજની અનામતોનો સૌથી વધુ જથ્થો ઝિમ્બાબ્વેમાં છે. હરારેથી 308 કિલોમીટર દક્ષિણે આવેલી બિકિટા માઈન્સ 10.8 મિલિયન ટન કાચી લિથિયમ ખનિજના અનામત જથ્થા સાથે દેશની સૌથી મોટી ખાણ છે.
ડેપ્યુટી માઈનિંગ મિનિસ્ટર પોલાઈટ કામ્બામુરાએ જણાવ્યું છે કે પ્રોસેસિંગ પ્લાન્ટ્સ બાંધી રહેલી કંપનીઓને આ પ્રતિબંધની અસર નહિ થાય. તેમણે કહ્યું હતું કે કાચા લિથિયમની નિકાસથી દેશ આગળ વધી શકશે નહિ. દેશમાં જ લિથિયમ બેટરીનું ઉત્પાદન થાય તેમ અમે ઈચ્છીએ છીએ. સમગ્ર વિશ્વ સ્વચ્છ ઊર્જા અને ખાસ કરીને ઈલેક્ટ્રિક મોબિલિટી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે હાઈ એનર્જી-ડેન્સિટી રિચાર્જેબલ બેટરી ઉત્પાદનમાં લિથિયમ અત્યંત જરૂરી ઘટક બન્યું છે. આ ખનિજની ભારે માગના કારણે તેની કિંમતોમાં ગયા વર્ષે 180 ટકાથી વધુનો વધારો થયો છે.