હરારેઃ ઝિમ્બાબ્વેએ ગઈ ૨૮ જુલાઈએ શ્વેત ખેડૂતો સાથે ૨.૭ બિલિયન પાઉન્ડ (૩.૫ બિલિયન અમેરિકી ડોલર)ના વળતરની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ ખેડૂતોની જમીન ૨૦ વર્ષ પહેલાં દેશના વિવાદાસ્પદ સુધારા દરમિયાન જપ્ત કરાઈ હતી. તત્કાલીન પ્રમુખ રોબર્ટ મુગાબેએ દેશના મોટા ૪,૫૦૦ શ્વેત ખેડૂતોના ૪,૦૦૦થી વધુ ખેતરો બળજબરીપૂર્વક પડાવી લીધા હતા. જોકે, નાણાંની તંગી અનુભવી રહેલી સરકાર પાસે ચૂકવણી કરવા ફંડ નથી.હરારેમાં હસ્તાક્ષર વિધિ પ્રસંગે નાણાપ્રધાન મિતુલી નકુબે જણાવ્યું હતું કે અમે સમજૂતીમાં ઝિમ્બાબ્વેની આસપાસથી અને દુનિયામાં આ ફંડિંગ મેળવવા ફરવા માટે ૧૨ મહિનાનો સમય મંજૂર કર્યો છે. અમે તે હાંસલ કરવા કટિબદ્ધ છીએ. તેમાં રોકડ રકમ આપવી તેવું જરૂરી નથી, પ્લેજ પણ કરી શકાશે. તેમાં વાત માત્ર પ્રતિબદ્ધતાની છે. ખેડૂતો અને દાતાઓની એક કમિટી બનાવવામાં આવી છે અને નાણાં એકત્ર કરવાની કામગીરી આ કમિટીને સોંપવામાં આવી છે. ખેતરોમાં આવેલા ફાર્મહાઉસ અને ઈરિગેશન સિસ્ટમ સહિતના બાંધકામવાળા માળખા માટે આ વળતર અપાશે.
ઝિમ્બાબ્વેએ ૨૦૦૦ માં વિવાદાસ્પદ જમીન સુધારા શરૂ કર્યા હતા. શાસક ZANU-PF પક્ષના કાર્યકરો અને ૧૯૭૦ના મુક્તિ ચળવળના અનુયાયીઓએ ખેતરોના મોટા પટ્ટા જપ્ત કર્યા હતા. જપ્ત કરાયેલા આ ખેતરોનું પાછળથી જમીનવિહોણા અશ્વેતોને વિતરણ કરાયું હતું. ભૂતકાળમાં દેશના અશ્વેતો પાસેથી જબરદસ્તીથી જમીનો પડાવી લેવાઈ હતી તેવો દાવો કરીને મુગાબેએ જમીન જપ્ત કરવાની આ કામગીરીને વાજબી ઠેરવી હતી અને કહ્યું કે
ભૂતકાળમાં જે થયું હતું તે સુધારી લેવાયું છે. મુગાબેના અનુગામી એમરસન મંગાગ્વાએ જણાવ્યું હતું કે ૨૮ મીએ થયેલી સમજૂતી ઘણી બાબતે ઐતિહાસિક હતી. ઝિમ્બાબ્વેમાં જમીનવિવાદના અંત સાથે એક નવી શરૂઆત થઈ છે.