હરારેઃ ઝિમ્બાબ્વેના હવાંગ્વે નેશનલ પાર્કમાં 100થી વધુ હાથીઓ તરસે મરી ગયા છે અને દુષ્કાળને ધ્યાનમાં રાખતા હજી પણ વધુ હાથીઓના મોત થઈ શકે તેવી ચેતવણી પર્યાવરણશાસ્ત્રીઓએ આપી છે. આ વર્ષે ક્લાઈમેટ ચેન્જ અને અલ નીનોના લીધે દુષ્કાળ પડ્યો છે. ઝિમ્બાબ્વેમાં ચોમાસુ ઓક્ટોબરથી માર્ચ મહિના દરમિયાન હોય છે. પણ આ વખતે વરસાદ નથી.
નેશનલ પાર્કમાં હાથીઓના હાડપિંજરના બિહામણા દ્રશ્યો જોવા મળે છે. ડિસેમ્બરમાં હવાંગેનું તાપમાન 30 ડિગ્રી સુધી પહોંચી જાય તેમ મનાયછે. ઝિમ્બાબ્વેના નેશનલ પાર્કમાં નદી પસાર થતી ન હોવાથી પ્રાણીઓ માટે સોલર પાવર બોરવેલમાંથી પાણી કાઢીને બનાવાયેલાં કૃત્રિમ તળાવો પર આધારિત રહેવું પડે છે. એક હાથીને રોજ ઓછામાં ઓછું 200 લિટર પાણી જોઈએ છે. ઝિમ્બાબ્વેમાં હાથીઓની કુલ 100,000ની વસ્તીમાંથી પાર્કમાં રહેતા 45000 હાથીઓને પાણી પૂરુ પાડવું મોટો પડકાર છે.