હરારેઃ ઝિમ્બાબ્વેની પોલીસે અગ્રણી પત્રકાર હોપવેલ ચીનોનોની છ મહિનામાં ત્રીજી વખત ધરપકડ કરી હોવાનું તેમના વકીલ ડગ કોલ્ટાર્ટે જણાવ્યું હતું. ચીનોનોએ ટ્વીટ કર્યું હતું કે પોલીસ તેમને તેમના ઘરેથી ઉઠાવી ગઈ હતી અને તેમના પર જૂઠ્ઠાણુ ફેલાવવાનો આરોપ મૂક્યો છે.
પોલીસે તાજેતરમાં કોવિડ -૧૯ લોકડાઉનના નિયમોનું પાલન કરાવતા એક બાળકનું માર મારીને મૃત્યુ નીપજાવ્યું હોવાની ચીનોનોએ ટ્વીટ કર્યા પછી તેમની ધરપરકડ કરાઈ હતી. પોલીસે પાછળથી જણાવ્યું કે આ માહિતી ખોટી હતી. હાલની આ ધરપકડ અગાઉ, ચીનોનો ગયા જુલાઈમાં સરકાર વિરોધી દેખાવોમાં પોતાનો સૂર પૂરાવીને હિંસા ઉશ્કેરવાના અને દેશની નેશનલ પ્રોસિક્યુશન એજન્સીમાં કથિત ભ્રષ્ટાચારનો દાવો કરવાના અદાલતના તિરસ્કારના આરોપમાં જામીન પર મુક્ત હતા.
ચીનોનો, ઝિમ્બાબ્વેના પ્રમુખ એમરસન મ્નાંગગવા વહીવટી તંત્રના અગ્રણી વિવેચકો પૈકી એક છે. તેઓ તેમના પર ભ્રષ્ટાચાર અને માનવ અધિકાર ભંગનો તેમણે આરોપ મૂક્યો હતો. સરકારે તે આરોપને નકારી કાઢ્યા હતા.
આ અગાઉ જુલાઈમાં તેમની ધરપકડ થઈ હતી. તે વખતે ચીનોનોએ ટ્વિટર પર હેલ્થ વર્કર્સ માટે પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ્સની ૬૦ મિલિયન ડોલરની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો.
આ કેસમાં અગાઉથી ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરી રહેલા હેલ્થ મિનિસ્ટરને મ્નાંગગવાએ બરતરફ કર્યા હતા. ચીનોનો અને સમર્થકોનું કહેવું છે કે તેઓ સરકારનો ભ્રષ્ટાચાર ખૂલ્લો પાડતા હોવાથી તેમને નિશાન બનાવાય છે. સરકાર અને શાસક પક્ષ તેમના પર મ્નાંગગવાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો આરોપ કરી રહ્યા છે.