હરારેઃ ઝિમ્બાબ્વેની સેન્ટ્રલ બેંક – રિઝર્વ બેંક ઓફ ઝિમ્બાબ્વેએ દેશની સૌથી ઉંચા દરની નવી ૫૦ ડોલરની નોટને અમલી બનાવવાની જાહેરાત કરી હતી. અમેરિકન ચલણમાં આ નોટનું મૂલ્ય માત્ર ૦.૬૦ ડોલર થાય છે.
આ ચલણી નોટથી બ્રેડ પણ ખરીદી શકાય તેમ નથી. આ નોટ સરક્યુલેશનમાં આવતાં આ દક્ષિણ આફ્રિકન દેશમાં દસ વર્ષ કરતાં વધુ સમય અગાઉની અતિ ફુગાવાની યાદો તાજી થઈ હતી. ગયા વર્ષે ઝિમ્બાબ્વેનો ફુગાવાનો દર વધીને ૮૦૦ટકા થયો હતો જોકે, જૂનમાં વાર્ષિક ધોરણે તે ૧૦૬.૬૪ ટકા રહ્યો હતો. તે જુલાઈમાં ૫૫ ટકા રહેવાનો બેંકે અંદાજ મૂક્યો હતો.
ભાવવધારો બેકાબૂ બની જતાં તે સમયે ચલણી નોટનો દર ૧૦૦ ટ્રિલિયન ડોલરની નોટ જેટલો ઉંચો પહોંચી ગયો હતો.
એવોર્ડ વિજેતા પત્રકાર અને સરકારના વિવેચક હોપવેલ શિનોનોએ આ નવી બેંકનોટની મજાક ઉડાવી હતી. આ નોટનો બિનસત્તાવાર બ્લેક માર્કેટમાં વિનિમયના દરનું મૂલ્ય માત્ર ૦.૩૫ ડોલર જેટલું જ થાય છે.
આ નવી નોટ છેલ્લામાં છેલ્લી અને ફેબ્રુઆરી ૨૦૧૯થી ઝિમ્બાબ્વેએ સ્થાનિક કરન્સીનો ઉપયોગ શરૂ કર્યો ત્યારથી જે સિરીઝ દાખલ કરવામાં આવી તેમાં સૌથી વધુ મૂલ્યની છે.
૨૦૦૯માં ફુગાવો ૫૦૦ બિલિયન ટકા પહોંચી ગયો તે પછી ત્યાં યુએસ ડોલરનો ચલણમાં ઉપયોગ થતો હતો.