હરારેઃ ઝિમ્બાબ્વેએ નવી બેન્કનોટ્સ અને કોઈન્સ દાખલ કર્યા છે જે મંગળવાર,7 મેથી અમલમાં આવી જશે. તમામ બેન્કોને સેન્ટ્રલ બેન્ક દ્વારા સ્થાનીય કરન્સી પૂરી પાડવામાં આવી છે જેથી રાષ્ટ્રવ્યાપી વિતરણ થઈ શકે. જોકે, તેના ઉપાડની મર્યાદા પણ મૂકાઈ છે. ઝિમ્બાબ્વે ગોલ્ડ અથવા ZiG નામે ઓળખાનારી નવી કરન્સીનું સૌથી ઊંચુ મૂલ્ય 200 ZiG નોટ હશે જે આશરે 15 ડોલરની સમકક્ષ રહેશે.
સત્તાવાળાઓના આદેશ અનુસાર વ્યક્તિઓને પ્રતિસપ્તાહ 3,000 ZiG સુધીની રકમ ઉપાડવાની છૂટ રહેશે જ્યારે કંપનીઓ 30,000 ZiG સુધીની રકમ ઉપાડી શકશે. સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ પાર્લામેન્ટ્, કોર્ટ્સ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ માટે ઉપાડની કોઈ મર્યાદા રહેશે નહિ. આર્થિક કટોકટી અને ફૂગાવાથી ઘેરાયેલા ઝિમ્બાબ્વેમાં ગત દાયકાના ગાળામાં ત્રીજી કરન્સી દાખલ કરવામાં આવી છે. ZiGનું મૂલ્ય જળવાઈ રહે તે માટે તેને ગોલ્ડ અને ફોરેન કરન્સી રિઝર્વનો ટેકો મળ્યો છે.