હરારેઃ ૧૪ વર્ષની એક કન્યા મેમરી મચાયા ચર્ચમાં બાળકને જન્મ આપતી વખતે મૃત્યુ પામ્યા પછી સંયુક્ત રાષ્ટ્રે ઝિમ્બાબ્વેમાં બાળ લગ્ન પ્રથાને વખોડી કાઢી હતી. ઝિમ્બાબ્વેવાસીઓએ તેને ન્યાય અપાવવાની માગણી કરતી ઓનલાઇન પિટિશનમાં રોષ વ્યક્ત કર્યો હતો. આ પિટિશન પર થોડાક જ દિવસમાં ૪૦,૦૦૦ લોકોએ સહી કરી હતી. દેશના પૂર્વ ભાગમાં ગ્રામીણ મરેન્જેમાં થયેલા છોકરીના મૃત્યુએ ઝિમ્બાબ્વેમાં બાળ લગ્નની પ્રથા પર ફરી ચર્ચા જગાવી છે. મેમરીને અભ્યાસ છોડી દેવા અને માત્ર ૧૩ વર્ષની વયે લગ્ન કરવાની ફરજ પાડવામાં આવી હતી. ગઈ ૧૫ જુલાઈએ તેનું મૃત્યુ થયું હતું અને તેના બે કલાક પછી તેને ચર્ચ દ્વારા દફનાવી દેવામાં આવી હતી. ચર્ચે તેના પતિને મેમરીના બદલામાં તેની ૯ વર્ષની બહેનની કન્યા તરીકે ઓફર કરી હતી ત્યારે મેમરીના મૃત્યુની ઘટના બહાર આવી હતી.
ઝિમ્બાબ્વેમાંના યુ એનએ જણાવ્યું કે તે મેમરી મચાયાને મૃત્યુ માટે દોરી જતા સંજોગોની સખત શબ્દોમાં નિંદા કરે છે અને આ અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરે છે.
ઝિમ્બાબ્વેમાં અઢાર વર્ષની વયની થતા અગાઉ ત્રણમાંથી એક છોકરીના લગ્ન કરાવી દેવામાં આવે છે. બે કન્યાઓના મૃત્યુ થતા ઝિમ્બાબ્વેની બંધારણીય કોર્ટે ૨૦૧૬માં બાળ લગ્ન પર પ્રતિબંધ મૂક્યો હતો. તે છતાં આ ઘટના બની છે. હ્યુમન રાઈટ્સ વોચ સધર્ન આફ્રિકા ડિરેક્ટર દેવા માવહિંગાએ જણાવ્યું હતું કે સરકાર બંધારણીય કોર્ટના ચુકાદાનો અમલ કરવામાં નિષ્ફળ રહી હોવાથી.ઝિમ્બાબ્વેમાં મોટી સંખ્યામાં છોકરીઓને સહન કરવું પડે છે.