હરારેઃ છેલ્લાં 25 વર્ષથી આર્થિક કટોકટી અને ચલણી અવમૂલ્યનનો સામનો કરી રહેલા આફ્રિકન દેશ ઝિમ્બાબ્વેની રિઝર્વ બેન્કે શુક્રવાર, 5 એપ્રિલે નવું ચલણ જારી કર્યું હતું. રિઝર્વ બેન્ક ઓફ ઝિમ્બાબ્વેના ગવર્નર જ્હોન મુશાયાવાનહુએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, નવું ચલણ ઝિમ્બાબ્વે ગોલ્ડ એટલે કે ‘ઝિગ’ તરીકે ઓળખાશે.
ગવર્નરે એવી આશા વ્યક્ત કરી હતી કે, સોનાનું પીઠબળ ધરાવતું આ નવું ચલણ દેશના અર્થતંત્રને પુનઃ મજબૂત બનાવશે. ઉલ્લેખનીય છે કે ઝિમ્બાબ્વેમાં ફુગાવાએ માઝા મુકી છે. ગયા વર્ષના ડિસેમ્બરમાં 26.5 ટકાએ રહેલો ફૂગાવાનો દર જાન્યુઆરીના અંતે વધીને 34.8 ટકા અને માર્ચ મહિનાના અંતે વધીને 55.3 ટકાના સ્તરે જોવાયો હતો. જાન્યુઆરી મહિનાથી ઝિમ્બાબ્વે ડોલરના મૂલ્યમાં 70 ટકા જેટલો ઘટાડો થયો છે. વર્ષ 2009માં ઝિમ્બાબ્વેઅન ડોલરનું એટલું પતન થયું હતું કે સરકારે 100 ટ્રિલિયન ઝિમ્બાબ્વે ડોલર બેન્કનોટ જારી કરી હતી.