હરારેઃ ઝિમ્બાબ્વેમાં સર્જાયેલી પાણીની તીવ્ર અછતથી વન્યજીવન મુશ્કેલીમાં આવ્યું છે અને ઝિમ્બાબ્વેના સૌથી મોટા હવાન્ગે નેશનલ પાર્કમાંથી હાથીઓનાં ઝૂંડ જીવન બચાવવા બોટ્સવાના હિજરત કરી રહેલ છે. હવાન્ગે નેશનલ પાર્કમાં તળાવો સહિતના જળસ્રોતો સૂકાઈ ગયા હોવાનું ઝિમ્બાબ્વે પાર્ક્સ એન્ડ વાઈલ્ડલાઈફ મેનેજમેન્ટ ઓથોરિટીએ સ્વીકાર્યું છે. જોકે, ઓગસ્ટ મહિનાથી પાણી અને ખોરાકની શોધમાં કેટલા હાથી અને અન્ય પ્રાણીઓનું સ્થળાંતર થયું હોવાનો આંકડો બહાર આવ્યો નથી.
હવાન્ગે નેશનલ પાર્ક 14,000 ચો.કિ.મીથી વધુ ક્ષેત્રમાં પથરાયેલો છે અને આશરે 50,000 હાથી ત્યાં વસે છે. વર્ષો દરમિયાન, પાણીની અછતના લીધે પાર્ક અને બોટ્સવાના વચ્ચે પ્રાણીઓનું સ્થળાંતર સામાન્યપણે થતું રહે છે. આવા સ્થળાંતરમાં પ્રાણીઓ ઝિમ્બાબ્વેના વસ્તીભર્યા વિસ્તારોમાંથી પસાર થવા સાથે કોમ્યુનિટીઓ પર આક્રમણ કરે છે, માનવીઓ પણ પાણી માટે પ્રાણીઓ સાથે સ્પર્ધા કરે છે. આમ, માનવીઓ અને પ્રાણીઓ વચ્ચે સંઘર્ષ વધતો રહે છે. ગયા વર્ષે હાથીઓએ ઓછામાં ઓછાં 60 લોકોને મારી નાખ્યા હતા.
ઝિમ્બાબ્વેમાં આશરે 100,000 હાથી છે જે વિશ્વમાં બીજા ક્રમની વસ્તી છે અને તેના પાર્ક્સની ક્ષમતા કરતાં લગભગ બમણી છે. બીજી તરફ, આશરે 130,000 હાથી સાથે બોટ્સવાના વિશ્વમાં પ્રથમ સ્થાને છે.