ઝિમ્બાબ્વેમાં બ્રિટિશ સંસ્થાનવાદી સેસિલ જ્હોન રહોડ્સની કબરના સ્થળનો વિવાદ

રહોડ્સની કબર સ્થાનિકો દ્વારા પૂર્વજો સાથે વાતચીત કરવાની પવિત્ર ટેકરી પર છેઃ ગોરાઓને શ્રેષ્ઠ માનતા રહોડ્સનું સ્વપ્ન કેપ ટાઉનથી કેરો સુધીના બ્રિટિશ આફ્રિકાનું હતું

Wednesday 15th March 2023 06:07 EDT
 
 

બુલાવાયોઃ ઝિમ્બાબ્વેના બુલાવાયોની બહાર માટોબો નેશનલ પાર્કમાં બ્રિટિશ સંસ્થાનવાદી સેસિલ જ્હોન રહોડ્સની કબરના સ્થળ વિશે વિવાદ ચાલી રહ્યો છે. ઝિમ્બાબ્વેવાસીઓ આ કબરથી નારાજ છે કારણકે આ સ્થળે પવિત્ર ટેકરી છે જ્યાં સદીઓથી લોકો તેમના પૂર્વજો સાથે વાતચીત કરવા કે તેમની સલાહ મેળવવા જાય છે.

પરગજુ વ્યક્તિ તરીકે ઓળખાતા કુખ્યાત બ્રિટિશ સંસ્થાનવાદી રહોડ્સે પોતાના આખરી નિવાસ તરીકે આ પવિત્ર સ્થળને પસંદ કર્યું હતું. ગોરાઓને શ્રેષ્ઠ માનતા રહોડ્સે ક્વીન વિક્ટોરિયાના આશીર્વાદ સાથે કેપ ટાઉનથી કેરો સુધીના બ્રિટિશ આફ્રિકાનું સ્વપ્ન નિહાળ્યું હતું. તેણે બ્રિટિશ સામ્રાજ્ય માટે વિશાળ વિસ્તારો એકત્ર કર્યા હતા અને 48 વર્ષની વયે સાઉથ આફ્રિકામાં તેનું 120 કરતાં વધુ વર્ષ અગાઉ મોત થયું હતું. આ વિસ્તારોમાંથી થોડા હિસ્સાને તેના માનમાં રહો્ડેશિયા નામ અપાયું હતું જેમાં આધુનિક ઝામ્બીઆ અને ઝિમ્બાબ્વેનો સમાવેશ થયો હતો.

યુવા પેઢીના ઘણા લોકો સંસ્થાનવાદની આખરી નિશાનીઓને દેશમાંથી દૂર કરવા માટે રહોડ્સના અવશેષોને પણ દૂર કરવા માગણી કરે છે. માટોબો નેશનલ પાર્કમાં આ સંસ્થાનવાદી કબર ન હોવી જોઈએ તેમ તેઓ માને છે. ઝિમ્બાબ્વેમાં ‘Rhodes-Must-Fall’ અભિયાનના સહસ્થાપક ટાફાડ્ઝ્વા ગ્વિની કહે છે કે આ સ્થળે સ્થાનિક લોકો સર્જનહાર અને પૂર્વજો સાથે વાત કરે છે અને તેમના માટે આધ્યાત્મિક મહત્ત્વનું હોવાનું જાણતા હોવાં છતાં, રહોડ્સે પોતાની કબર માટે આ સ્થળની પસંદગી કરી હતી. કોઈ પણ ઝિમ્બાબ્વેવાસી માટે આ મોટું અપમાન જ છે.

જોકે, રહોડ્સની કબર પર્યટકો માટે આકર્ષણનું સ્થળ છે અને આસપાસના ગામો માટે જરૂરી આવકનું સાધન પણ છે. પર્યટકો કળા અને હાથબનાવટની ચીજો ખરીદે છે જેનાથી આવક મળતી હોવાથી ઘણા સ્થાનિક લોકો કબર દૂર કરવાનો વિરોધ પણ કરે છે. આ કબર તેમના માટે સમસ્યા નથી અને તેઓ કહે છે કે પૂર્વજો સાથે વાતચીત કરવા આસપાસમાં બીજા પવિત્ર સ્થળો પણ છે.

સાઉખ આફ્રિકામાં યુનિવર્સિટી ઓફ કેપ ટાઉનના વિદ્યાર્થીઓએ 2015માં કેમ્પસમાં રહોડ્સનું પૂતળું તોડી પાડવા ‘રહોડ્સ મસ્ટ ફોલ’ વિરોધ અભિયાન શરૂ કર્યું હતું. જે પાછળથી વૈશ્વિક સ્વરૂપમાં ફેરવાયું હતું અને ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા રાજકારણીના પૂતળાને દૂર કરવાની હાકલનો વિરોધ કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter