હરારેઃ ઝિમ્બાબ્વેની સેન્ટ્રલ બેન્કે ફૂગાવાને કાબુમાં રાખવાના પ્રયાસરૂપે મુખ્ય પોલિસી ઈન્ટરેસ્ટ રેટ 60 ટકાથી વધારીને વિક્રમજનક 80 ટકાનો કર્યો છે. ફાઈનાન્સિયલ એજન્સી બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર ઝિમ્બાબ્વેનો ઈન્ટરેસ્ટ રેટ વિશ્વમાં વર્તમાનમાં સૌથી ઊંચો હોવાં સાથે સધર્ન આફ્રિકન દેશ માટે ઓલ-ટાઈમ રેકોર્ડ છે.
યુક્રેન-રશિયા યુદ્ધના કારણે ઝિમ્બાબ્વેનો ફૂગાવો ઊંચે ગયો છે અને કોમોડિટીઝની કિંમતો માર્ચમાં વધીને 72.7 ટકાએ પહોંચી છે જે ગત મહિને 66.11 ટકા હતી.ઝિમ્બાબ્વેની સેન્ટ્રલ બેન્કે જણાવ્યું છે કે ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની વધતી કિંમતોએ ઉત્પાદન ખર્ચા પર નકારાત્મક અસરો ઉભી કરવા ઉપરાંત, ફોરેન એક્સચેન્જ માર્કેટને ડામાડોળ બનાવી દીધું છે.
ઝિમ્બાબ્વેનું અર્થતંત્ર 20 કરતાં વધુ વર્ષથી ઊંડી કટોકટીમાં છે અને જાળવી ન શકાય તેવાં દેવાંના કારણે આંતરરાષ્ટ્રીય દાતાઓ પણ પીછેહઠ કરી રહ્યા છે. યુક્રેન યુદ્ધના પરિણામે પાયારુપ કોમોડિટીઝની કિંમતોમાં ભારે વધારો થયો છે. ઝિમ્બાબ્વે માટે રશિયા ઘઉંનું મુખ્ય સપ્લાયર છે અને ત્યાંથી પણ પુરવઠો મળી રહ્યો નથી.