હરારેઃ ઝિમ્બાબ્વેએ દેશના અસ્થિર ચલણનું મૂલ્ય મોટા પાયે ઘટાડનાર ફુગાવાને અંકુશમાં લેવા માટે સોનાના સિક્કા લોન્ચ કર્યા છે જેનું વેચાણ જાહેર જનતાને કરવામાં આવનાર છે. સ્થાનિક ચલણમાં વિશ્વાસ વધારવા માટે કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઝિમ્બાબ્વેએ અભૂતપૂર્વ નિર્ણયની જાહેરાત કરી છે. IMFના જણાવ્યા અનુસાર ૨૦૦૮માં હાઇપર ઇન્ફલેશનને કારણે લોકોની બચતો ધોવાઇ ગયા પછી હવે લોકોને દેશના લોકોને દેશના ચલણમાં વિશ્વાસ ઘટી ગયો છે. લોકો દૈનિક બચત અને દૈનિક લેવડદેવડ માટે ગેરકાયદે વ્યવહારો દ્વારા મેળવેલા અમેરિકન ડોલર રાખવાનું પસંદ કરે છે.
સોનાના સિક્કાની પ્રથમ બેચ દેશની બહાર તૈયાર કરાઈ છે પરંતુ, સમયાંતરે દેશમાં જ તેનું નિર્માણ હાથ ધરાશે તેમ રિઝર્વ બેંક ઓફ ઝિમ્બાબ્વેના ગવર્નર જ્હોન માંગુડયાએ જણાવ્યું હતું. સોનાના સિક્કાનો ઉપયોગ દુકાનોમાં ખરીદ કરવા માટે પણ ઉપયોગમાં લઈ શકાશે. જોકે, તેનો આધાર દુકાનોમાં પૂરતું ચલણ છે કે નહિ તેના પર રહેશે.ઝિમ્બાબ્વેના ચલણમાં વિશ્વાસ એટલો ઘટ્યો છે કે રીટેલરો પણ સ્થાનિક ચલણનો સ્વીકાર કરતા નથી.
મોસી-ઓઆ-ટુન્યા - Mosi-oa-Tunya તરીકે ઓળખાવાયેલા, 22 કેરેટની શુદ્ધતા ધરાવતા એક ટ્રોય ઔંસ વજનના આ સોનાના સિક્કાનું સરળતાથી રોકડમાં રૂપાંતર કરી શકાશે. જોકે તેની ખરીદીના 180, દિવસ પછી જ આ શક્ય બનશે. આ સિક્કાની કિંમતનું નિર્ધારણ એક ઔંસ સોનાની આંતરરાષ્ટ્રીય બજારકિંમત અને સિક્કાની બનાવટના ખર્ચના પાંચ ટકાના ઉંમેરાથી થશે. સિક્કા 25 જુલાઈએ લોન્ચ કરાયા ત્યારે મોસી-ઓઆ-ટુન્યા સિક્કાની કિંમત 1,824 ડોલર મૂકાઈ હતી.
ઝિમ્બાબ્વેના અર્થશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર તેઓ દેશમાં અમેરિકન ડોલરની ઉંચી માગને ઘટાડવાના પ્રયત્નો કરી રહ્યાં છે. ડોલરની માગ સામે પુરવઠો નથી. સોનાના સિક્કાના ચલણથી સ્થાનિક ચલણનું અવમૂલ્યન પણ ઘટશે અને માલસામાનના ભાવ પણ ઘટશે તેવી આશા રખાય છે.