સાઉથ આફ્રિકાના પૂર્વ પ્રમુખ જેકોબ ઝૂમાની પુત્રી ડુડુઝાઈલ ઝૂમા-સામ્બુ્ડલા સામે 2021ના રમખાણોની ઉશ્કેરણીનો ચાર્જ લગાવાયો હતો. ડુડુઝાઈલ 30 જાન્યુઆરીએ પિતા ઝૂમા સાથે કોર્ટમાં હાજર થઈ હતી. હવે તેણે માર્ચમાં કોર્ટ સમક્ષ હાજર થવાનું રહેશે. તેના વકીલે કહ્યું હતું કે તે નિર્દોષ હોવાનું જણાવશે. આ રમખાણોમાં 350થી વધુ લોકોના મોત થયા હતા.
ૉપ્રોસીક્યુટરોએ આક્ષેપ કર્યો હતો કે તેના પિતા જેકોબ ઝૂમાએ ભ્રષ્ટાચારની ઈન્કવાયરીમાં હાજર રહી જુબાની આપવાનો કોર્ટનો આદેશ અવગણ્યા પછી ધરપકડ કરાયાના પગલે ડુડુઝાઈલે જુલાઈ 2021માં સોશિયલ મીડિયા પર અન્યોને હિંસા આચરવા ઉશ્કેરણી કરી હતી. ઝૂમાના જેલવાસના પગલે ગરીબી અને અસમાનતા સામેનો રોષ હજારો દુકાનોની લૂંટફાટ, જાહેર મિલકતોને નુકસાન અને 350 જેટલા લોકોના મોતમાં પરિણમ્યો હતો. રમખાણોના કારણે અંદાજે 50 બિલિયન રેન્ડ (2.70 બિલિયન ડોલર)નું નાણાકીય નુકસાન થયું હતું.