ભરૂચઃ તાલુકાના ટંકારીયા ગામની ડેલાવાલા સ્ટ્રીટમાં રહેતા મહંમદ હનીફ મુસા વેવલીના બે પુત્રો આસિફ હનીફ વેવલી ૧૩ વર્ષતી તથા ઇમ્તિયાઝ હનીફ વેવલી ૭ વર્ષથી દક્ષિણ આફ્રિકાના વેન્ડા ટાઉનમાં રોજી રોટી મેળવવા માટે સ્થાયી થયા હતા. બન્ને એક જ મકાનમાં સાથે રહેતા હતા. ૧૩મી માર્ચે મોડી રાત્રે ત્રણ વાગે પાંચ અશ્વેત લૂટારાઓ લૂંટના ઇરાદે હનીફભાઈના ઘરની ગ્રિલ તોડી ઘરમાં પ્રવેશ કરીને ઘરમાં હાજર હનીફભાઈ તથા ઇમ્તિયાઝભાઈને માર મારી ઘરમાં મુકેલા ૧૦,૦૦૦ રેન લૂટી લીધા હતા. તેમજ બન્ને ભાઈઓ પાસે ગોલ્ડની માગણી કરતા તેઓએ ગોલ્ડ ન હોવાનું જણાવતા લૂટારાઓએ હનીફને આંખના ભાગે તથા ઇમ્તિયાઝને નાકના ભાગે ઈજાઓ પહોંચાડી પલાયન થઈ ગયા હતા. બન્ને ઇજાગ્રસ્ત ભાઈઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
વિદેશમાં અને ખાસ કરીને દક્ષિણ આફ્રિકામાં રોજી રોટી રળવા માટે સ્થાયી થયેલા ખાસ કરીને ભરૂચ જિલ્લાના યુવકો પર નિગ્રો જાતિના લોકો દ્વારા છાશવારે થઈ રહેલા હુમલાઓથી તેઓના પરિવારજનોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે સાથે વિદેશમાં વસતા ભારતીય પરિવારોની સલામતી માટે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા નક્કર રજૂઆત થવી જોઈએ તેવી પરિવારજનો માગ કરી રહ્યા છે.