એડીસ અબાબાઃ ઈથિયોપિયાના ટાઈગ્રે પ્રદેશના એક જિલ્લાના લોકોએ બીબીસીને જણાવ્યું હતું કે તેઓ ભૂખમરો વેઠી રહ્યા છે. કાફ્તા હુમેરામાં એક વ્યક્તિએ જણાવ્યું કે સાત મહિના ચાલેલી લડાઈમાં તેમનો પાક અને પશુઓ લૂંટી લેવાયા હોવાથી તેમની પાસે ખાવા માટે કશું જ નથી.તેમણે ઉમેર્યું કે સરકારી દળો સાથે લડાઈ કરી રહેલા મિલિશિયા તેમને મદદ લેતા અટકાવી રહ્યા છે.
યુએનના વડા એન્ટોનિયો ગુટ્રેસે ચેતવણી ઉચ્ચારી હતી કે ટાઈગ્રેના કેટલાંક ભાગ દુકાળના આરે છે.
ગયા નવેમ્બરમાં ઈથિયોપિયન સરકાર અને ટાઈગ્રે બળવાખોરો વચ્ચે અથડામણો શરૂ થઈ હતી. તેને લીધે ફૂડ સિક્યુરિટીની બાબતે પહેલેથી મુશ્કેલી વેઠી રહેલા આ પ્રદેશના અંદાજે બે મિલિયન લોકોને ઘર છોડી જવુ પડ્યું હતું.
ઈથિયોપિયન ઓથોરિટી આ પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા ફરી પૂર્વવત થાય અને સહાય પહોંચાડવા પર ભાર મૂકી રહી છે.
જોકે,ઈથિયોપિયામાં ૧૯૮૪માં જે ભીષણ દુકાળ થયો હતો તેના પુનરાવર્તનની યુએનએ તાજેતરમાં ચેતવણી આપી હતી અને ટાઈગ્રેમાં તાત્કાલિક સંઘર્ષવિરામ માટે અનુરોધ કર્યો હતો.
કાફ્તા હુમેરાના લોકોએ જણાવ્યું કે પરિસ્થિતિ દારુણ અને ડરામણી છે. આ વિસ્તાર સુદાન અને એરીટ્રીયાની બોર્ડર નજીક આવેલો છે. બીબીસી ટાઈગ્રીન્યા સર્વિસ દ્વારા ફોનથી આ લોકોનો સંપર્ક કરાયો હતો.
એક ખેડૂતે જણાવ્યું કે અમે નાગરિક છીએ. સશસ્ત્ર લોકો અમારા ઢોર અને પાક લઈ ગયા છે.
બીજા ખેડૂતે બીબીસીને જણાવ્યું કે અમે થોડોક પાક સંતાડીને રાખ્યો હતો તે ખાતા હતા પણ હવે અમારી પાસે કશું નથી. કોઈએ સહાય આપી નથી. લગભગ દરેક વ્યક્તિ મરવાની અણી પર છે.