એડીસ અબાબાઃ ટાઈગ્રે ડિફેન્સ ફોર્સ (TDF) દ્વારા બંધક બનાવાયેલા ૭,૦૦૦થી વધુ ઈથિયોપિયન સૈનિકો એક વીડિયોમાં ઈથિયોપિયાના ટાઈગ્રે પ્રાંતના મેકેલે રિહેબિલિટેશન સેન્ટર તરફ ચાલતા જતા દર્શાવાયા હતા. TDF મુજબ બંધક બનાવાયેલા સૈનિકો એબ્દી એશીરથી ટાઈગ્રે પહોંચવા ચાર દિવસ સુધી ચાલ્યા હતા. જોકે, સૈનિકોની સંખ્યા અતિશયોક્તિ ભરેલી હોવાનું અને તેમાં ઈથિયોપિયન નેશનલ આર્મી તરફથી લડ્યા હોવાનું મનાતા એરીટ્રીન અને સોમાલી સૈનિકો પણ સામેલ હોવાનું કહેવાય છે.
બળવાખોર લડાકુઓએ આઠ મહિનાના લોહિયાળ સંઘર્ષ પછી મેકેલે પર કાબૂ મેળવી લીધા બાદ શહેરમાં ઉજવણી શરૂ થઈ હતી. લોકોએ પાછા ફરેલા TDFના સૈનિકોનું સ્વાગત કર્યું હતું.
આ સાથે TDFએ ઈથિયોપિયાના ટાઈગ્રે પ્રાંત પર વધુ કબજો જમાવ્યો છે.
સરકારે બળવાખોરોને એકતરફી શસ્ત્રવિરામનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.
શહેરની ઘણી સ્કૂલોમાં વિસ્થાપિતો માટે કેમ્પ ઉભા કરાયા હતા. ગોળીબાર અને તીક્ષ્ણ હથિયારોનો ભોગ બનેલા બાળકોની સારવાર કરવામાં આવી રહી છે.