ટાન્ઝાનિયા અને બેનિન હવે લોઅર-મિડલ ઈન્કમ દેશ

Thursday 09th July 2020 02:47 EDT
 

લંડનઃ વિશ્વ બેન્કે મોરેશિયસનું વર્ગીકરણ હાઈ ઈન્કમ કન્ટ્રી તરીકે સુધાર્યું છે જ્યારે, ટાન્ઝાનિયા અને બેનિનને લોઅર-મિડલ ઈન્કમ દેશો તરીકે ગણવામાં આવશે. ટાન્ઝાનિયાના પ્રમુખ જ્હોન પોમ્બે માગુફૂલીએ આ સમાચાર સાશિયલ મીડિયા પર જાહેર કરતા જણાવ્યું હતું કે આ વર્ગીકરણ અગાઉ નિર્ધાર કર્યા કરતાં પાંચ વર્ષ વહેલું આવ્યું છે. પ્રમુખ માગુફૂલીએ ટ્વીટ કર્યું હતું કે ૨૦૨૫માં આ સ્ટેટસ મળવાની અપેક્ષા રાખી હતી પરંતુ, ૨૦૨૦માં જ તે હાંસલ કરાયું છે.

વર્લ્ડ બેન્કના ડેટા અનુસાર ૧ જુલાઈ ૨૦૨૦ના રોજ ટાન્ઝાનિયાની ગ્રોસ નેશનલ ઈન્કમ (GNI) માથાદીઠ ૧,૦૮૦ ડોલર થઈ છે જે ૨૦૧૯માં ૧,૦૨૦ ડોલર હતી. આ જ પ્રમાણે બેનિનની માથાદીઠ GNI ૧,૨૫૦ ડોલર અને મોરેશિયસની માથાદીઠ GNI ૧૨,૭૪૦ ડોલર થઈ છે. માથાદીઠ GNI એક વર્ષમાં દેશની ફાઈનલ ઈન્કમને તેની વસ્તીથી ભાગવામાં આવે ત્યારે ડોલરમાં મળતું મૂલ્ય છે.

દેશની માથાદીઠ GNI પર આર્થિક વૃદ્ધિ, ફૂગાવો, વિનિમય દર અને વસ્તીમાં વધારા જેવા પરિબળો અસર કરે છે. દેશોની હિસાબી પદ્ધતિઓ અને ડેટાની પણ તેને અસર થતી હોવાનું વિશ્વબેન્કના નિવેદનમાં જણાવાયું છે. બેનિન, નાઉરુ અને ટાન્ઝાનિયામાં રાષ્ટ્રીય હિસાબી પદ્ધતિમાં સુધારાએ તેમનું વર્ગીકરણ સુધારવામાં ભૂમિકા ભજવી છે. બીજી તરફ, સુદાન અને અલ્જિરિયાની કેટેગરી અનુક્રમે લો ઈન્કમ અને લોઅર-મિડલ ઈન્કમ દેશો તરીકે નીચે ઉતરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter