દારેસ્સલામઃ ટાન્ઝાનિયા દ્વારા કોવિડ-19 કટોકટીના ગાળામાં વિદેશથી મળેલા 1.6 બિલિયન ડોલરના ભંડોળના ગેરવહીવટનો ઘટસ્ફોટ થયો છે. ટાન્ઝાનિયાના કન્ટ્રોલર અને ઓડિટર જનરલને દેશના કોવિડ-19 સોશિયોઈકોનોમિક રીકવરી એન્ડ રિસ્પોન્સ પ્લાન (TCRP) હેઠળ મળેલા 1.6 બિલિયન ડોલરથી વધુના ભંડોળનો હિસાબ મળી રહ્યો નથી કારણકે સરકારી તિજોરીમાંથી નાણા પગ કરી ગયા છે. અગાઉ તો ટાન્ઝાનિયાએ દેશમાં કોવિડ 19 કટોકટી હોવાનો જ ઈનકાર કર્યો હતો.
પૂર્વ આફ્રિકામાં સૌથી વધુ વસ્તી ધરાવતા ટાન્ઝાનિયાને કોવિડ મહામારીમાં 2020થી 2022ના ગાળામાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (600 + 372.4 મિલિયન ડોલર), ગ્લોબલ ફંડ (112 મિલિયન ડોલર), યુએસ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (44 મિલિયન ડોલર) તેમજ WHO મારફત આઈરિશ સરકાર દ્વારા 546,000 ડોલર સહિત વિવિધ સ્રોતોમાંથી નાણાભંડોળ મળ્યું હતું. કન્ટ્રોલર અને ઓડિટર જનરલ ચાર્લ્સ કિચેરેના કહેવા મુજબ ટાન્ઝાનિયાની ફાઈનાન્સ એન્ડ પ્લાનિંગ મિનિસ્ટ્રીએ વિવિધ સરકારી વિભાગોના પ્રોજેક્ટસને 530 મિલિયન ડોલરની ફાળવણી કરી હતી.