ડોડોમાઃ કોવિડ – ૧૯ની અસરને પહોંચી વળવા અને વેક્સિન મેળવવાના દેશના પ્રયાસોમાં વર્લ્ડ બેંકની મદદ માગી હતી. ૨૮મી સપ્ટેમ્બરે ડોડોમા ખાતેની બેઠકમાં પ્રેસિડેન્ટ સામિયા સુલુહુએ વર્લ્ડ બેંકના પૂર્વ અને દક્ષિણ આફ્રિકાના રિજનલ વાઈસ પ્રેસિડેન્ટ હાફિઝ ઘાનેમ સાથે વાટાઘાટો કરી હતી અને શિક્ષણ, આરોગ્ય અને મહિલા સશક્તિકરણની સ્થિતિ સુધારવા પર તેમની સરકાર વિશેષ ધ્યાન આપી રહી છે તેના વિશે ચર્ચા કરી હતી.
ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૬મા સત્ર દરમિયાન પ્રેસિડેન્ટ સામિયાએ વર્લ્ડ બેંકના ગ્રૂપ પ્રેસિડેન્ટ ડેવિડ માલ્પાસ સાથે બેઠક યોજી હતી તેના સંદર્ભમાં આ બેઠક હતી.
પોતાની સરકારની પ્રાથમિકતાઓ વિશે ડો. ઘાનેમને માહિતી આપતા પ્રેસિડેન્ટ સામિયાએ જણાવ્યું હતું કે હાલ તેઓ બિઝનેસ વાતાવરણ સુધારવા અને મૂડીરોકાણ આકર્ષવા માટે હિસ્સેદારો સાથે ચર્ચા દ્વારા ટેક્સ પોલીસીની સમીક્ષા કરી રહ્યા છે. સાથે જ ખાનગી ક્ષેત્રને મજબૂત બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે જેને લીધે તે સંપૂર્ણ બને અને દેશમાં રોજગારી પૂરી પાડી શકે.
ICTના ઉપયોગ દ્વારા માહિતી અને કાર્યક્ષમતા વધારવાના પ્રયાસો વિશે પણ તેમણે વાત કરી હતી.