ટાન્ઝાનિયાના અબ્દુલરઝાક ગુરનાહને સાહિત્યનો નોબેલ પુરસ્કાર

Tuesday 12th October 2021 16:41 EDT
 
 

ડોડોમા/સ્ટોકહોમઃ ટાન્ઝાનિયાના નવલકથા લેખક અબ્દુલરઝાક ગુરનાહને વર્ષ ૨૦૨૧નો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો. કોલોનિઆલિઝમની અસર અને સંસ્કૃતિઓ તથા ખંડો વચ્ચે અખાતમાં શરણાર્થીઓના ભાગ્ય વિશે સહેજ પણ બાંધછોડ કર્યા વિનાનું અને કરુણાજનક ઝીણવટભર્યું નિરુપણ કરવા બદલ આ એવોર્ડ માટે તેમની પસંદગી કરાઈ હતી.

૧૯૮૬માં વોલ સોયિન્કાએ પ્રાઈઝ મેળવ્યું ત્યારથી એકપણ અશ્વેત આફ્રિકન લેખકને પ્રાઈઝ મળ્યું નથી. ૧૯૯૩માં ટોની મોરિસનને આ પ્રાઈઝ મળ્યું તે પછી આ પ્રાઈઝ મેળવનારા તેઓ પ્રથમ અશ્વેત લેખક છે.

તેઓ ૧૯૬૦ના દસકામાં વિદ્યાર્થી તરીકે ઈંગ્લેન્ડ પહોંચ્યા તે પહેલા તેઓ ઝાંઝીબારમાં મોટા થયા હતા. તેમની દસ નવલકથા અને સંખ્યાબંધ ટૂંકી વાર્તાઓ પ્રકાશિત થઈ છે. નોબેલ કમિટીના ચેર એન્ડર્સ ઓલ્સોને જણાવ્યું હતું કે ગુરનાહની પ્રથમ નવલકથા ‘મેમરી ઓફ ડિપાર્ચર’થી લઈને તાજેતરમાં પ્રકાશિત થયેલી ‘આફ્ટરલાઈવ્સ’માં સાંસ્કૃતિક વૈવિધ્યપૂર્ણ પૂર્વ આફ્રિકાનું વર્ણન છે. ૧૯૯૪માં ગુરનાહની ચોથી નવલકથા ‘પેરેડાઈઝ’ બુકરપ્રાઈઝ માટે શોર્ટલિસ્ટ થઈ હતી અને ૨૦૦૧માં છઠ્ઠી નવલકથા ‘બાય ધ સી’ લિસ્ટમાં સામેલ થઈ હતી.

ગુરનાહની આ એવોર્ડ માટે પસંદગી થઈ તેની જાણ તેમને કરાઈ ત્યારે તેઓ કિચનમાં હતા. તેમણે જણાવ્યું કે તેમને તે ખોટું લાગ્યું હતું. તેમણે કહ્યું કે કોઈ તેમની સાથે મજાક કરતુ હોય તેવું લાગ્યું હતું. સામાન્ય રીતે કોણ સ્પર્ધામાં છે તેવું કેટલીક વખત અઠવાડિયાઓ કે મહિનાઓ પહેલાથી જ ચાલતું હોય છે, તેથી મારા મનમાં એવું કંઈ ન હતું. હું માત્ર વિચારતો હતો કે કોને આ પ્રાઈઝ મળશે ?

ગુરનાહે જણાવ્યું કે આ પ્રાઈઝ મળવાથી અને આ યાદીમાં મારી આગળ રહેલા લેખકો સાથે જોડાવાથી મને ખૂબ સન્માન મળ્યાની લાગણી થાય છે. આ મોટી સિદ્ધિ છે અને તેથી હું ગર્વ અનુભવું છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter