દારે સલામઃ આગામી ૨૮ ઓક્ટોબરે યોજાનારી ટાન્ઝાનિયાના પ્રમુખપદની ચૂંટણીમાં વિપક્ષ ચાડેમા પાર્ટીએ ભૂતપૂર્વ સાંસદ ટુંડુ લિસ્સુને જહોન માગુફુલી સામે ઉમેદવાર બનાવ્યા છે. ટાન્ઝાનિયાના વહીવટી પાટનગર ડોડોમામાં સપ્ટેમ્બર ૨૦૧૭માં તેમની હત્યાનો પ્રયાસ કરાયો હતો ત્યારે લિસ્સુ સાંસદ હતા. તેમના પર ૧૬ ગોળી છોડવામાં આવી હતી.
તેઓ દેશ છોડીને બેલ્જિયમ જતા રહ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન ૨૦ સર્જરી કરવામાં આવી હતી. આ ઘટના પછી પ્રથમ વખત તેઓ તાજેતરમાં જ ટાન્ઝાનિયા પાછા ફર્યા હતા. આમ તો માગુફુલીએ આ હુમલાની તપાસ માટે આદેશ આપ્યા હતા. પરંતુ, કદી કોઈની ધરપકડ કરાઈ ન હતી. લિસ્સુના સમર્થનમાં ઘણાં લોકો છે. પરંતુ, સ્વતંત્રતા મળી ત્યારથી સત્તા પર રહેલી ચામા ચા માપીન્ઝુદી (CCM) પાર્ટીને સત્તા પરથી દૂર કરવાનું મુશ્કેલ છે.
તેમની ઉમેદવારી પક્ષમાં લિસ્સુનો પ્રભાવ હોવાની ફરી ખાતરી કરાવે છે. લિસ્સુ પર ગોળીબાર થયો તે અગાઉના વર્ષે હત્યાના પ્રયાસના બે અઠવાડિયા પહેલા સહિત આઠ વખત તેમની ધરપકડ થઈ હતી અને તેઓ જાણીતા થયા હતા. તેમના પર ઉશ્કેરણી કરવા સહિતના આરોપો મૂકવામાં આવ્યા હતા. તેઓ બેલ્જિયમ ગયા તે પહેલા એએફપીને જણાવ્યું હતું કે તેઓ ટાન્ઝાનિયા પાછા ફરશે ત્યારે તેઓ પ્રમુખપદ મેળવવાનો પ્રયાસ કરશે. આપણને મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ મળશે કે નહીં તે પ્રશ્ર નથી, અમને તેની અપેક્ષા પણ નથી. સવાલ એ છે કે ચૂંટણી પ્રક્રિયાના અંતે આપણે જીવતા હોઈશું કે કેમ ?
માગુફુલીના શાસનના છેલ્લાં પાંચ વર્ષમાં રાજકીય નેતાઓની હત્યા, તેમના પર હુમલા, અપહરણ, અત્યાચાર અને વિપક્ષી નેતાઓ પર ગેરકાયદે કેસની ઘટનાઓ બની હતી.