ડોડોમાઃ ટાન્ઝાનિયાના મુખ્ય વિરોધ પક્ષ ચાડેમા પાર્ટીના પૂર્વ સાંસદ અને સરકારના તીવ્ર આલોચક ગોડબ્લેસ લેમા પહેલી માર્ચ બુધવારે કેનેડાથી સ્વદેશ પરત થયા છે. પક્ષના કાર્યકરોએ કિલિમાન્જારો ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે લેમાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ટાન્ઝાનિયાની ચૂંટણીઓમાં ગેરરીતિ પછી જાનની ધમકીઓ મળતા લેમા નવેમ્બર 2020માં કેનેડા નાસી છૂટ્યા હતા.
લેમાએ પત્ની અને બાળકો સાથે કેન્યામાં આશરો માગ્યો હતો. જોકે, તેમને કેનેડામાં રાજ્યાશ્રય મળ્યો હતો. ગયા મહિને જ અન્ય વિપક્ષી નેતા ટુન્ડુ લિસ્સુ પણ તેમની હત્યાના પ્રયાસના પગલે પાંચ વર્ષ વિદેશ રહ્યા પછી ટાન્ઝાનિયા પરત થયા હતા. ટાન્ઝાનિયાના પૂર્વ પ્રમુખ જ્હોન માગુફૂલીના માર્ચ 2021માં મોત પછી સત્તા પર આવેલાં પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ સામીઆ સુલુહુ હાસને વિરોધપક્ષો તરફ ખુલ્લા દિલની નીતિ અપનાવી રાજકીય રેલીઓ અને અધિવેશનો પરનો પ્રતિબંધ પાછો ખેંચી લીધો છે.