દાર- એ- સલામઃ ટાન્ઝાનિયાના વિપક્ષી નેતા અને પ્રમુખપદના પૂર્વ ઉમેદવાર ટુન્ડુ લિસ્સુએ સ્વદેશ પરત થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ટાન્ઝાનિયા સરકારે રાજકીય રેલીઓ પરનો પ્રતિબંધ હટાવી લીધા પછી યુરોપમાં રહેતા લિસ્સુએ આ મહિનામાં તેઓ સ્વદેશ જશે તેમ જણાવ્યું છે.
પૂર્વ પ્રેસિડેન્ટ જ્હોન માગુફલીએ 2016માં ટાન્ઝાનિયામાં રાજકીય રેલીઓ પર પ્રતિબંધ લાદી માત્ર ચૂંટાયેલા રાજકારણીઓ જ તેમના મતવિસ્તારોમાં રેલીઓ યોજી શકે તેવી વ્યવસ્થા ઉભી કરી હતી. સપ્ટેમ્બર 2017માં અજાણ્યા બંદૂકધારીએ ટુન્ડુ લિસ્સુ પર 16 ગોળીઓ ચલાવ્યા પછી તેઓ સારવાર માટે વિદેશ ચાલ્યા ગયા હતા. તેઓ 2020માં માગુફલીને પ્રમુખપદની ચૂંટણીમાં પડકાર આપવા થોડા મહિના માટે દેશ પરત ફર્યા હતા અને ચૂંટણીમાં 13 ટકા મત પણ મેળવ્યા હતા. જોકે, ચૂંટણીમાં વ્યાપક ગેરરીતિઓના આક્ષેપો સાથે તેમની પાર્ટી CHADEMAએ પરિણામને ફગાવી દીધું હતું.
માગુફલીના નિધન પછી માર્ચ 2021માં શાસન સંભાળનારા ટાન્ઝાનિયાના વર્તમાન પ્રમુખ સામીઆ સુલુહુ હાસને તેમની સમાધાનકારી રણનીતિ હેઠળ તાજેતરમાં જ રાજકીય રેલીઓ પરનો સાડા છ વર્ષનો પ્રતિબંધ હટાવી લીધો હતો. તેમણે આ સાથે ચાર ન્યૂઝપેપર્સ પરનો પ્રતિબંધ પણ દૂર કર્યો છે.