ડોડોમાઃ ટાન્ઝાનિયાની એક કોર્ટે મુખ્ય વિપક્ષના નેતા ફ્રીમેન મ્બોવે પર આતંકવાદ સંબંધિત સંબંધિત ગુનાના આરોષેપો ઘડ્યા છે. તેમની ધરપકડને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા ફેલાઈ હતી અને દેશના નવા પ્રેસિડેન્ટની ટીકા કરવામાં આવી હતી. પાંચ ઓગસ્ટે કોર્ટમાં આ કેસની કાર્યવાહી આગળ ચાલશે. ચાડેમાના ચેરમેન ફ્રીમેન મ્બોવેની તાજેતરમાં પક્ષના અન્ય ૧૫ સભ્યો સાથે મોડી રાત્રે પાડવામાં આવેલા છાપામાં ધરપકડ કરવામાં આવી હતી. સરકારના વિવેચકોએ તેને દેશના દમનકારી શાસનના પૂરાવા ગણાવ્યા હતા.
સ્ટેટ પ્રોસિક્યુટર એસ્ટન માર્ટિને જણાવ્યું હતું કે મ્બોવે પર આર્થિક નુકસાનના બે કાઉન્ટનો આરોપ મુકવામાં આવ્યો હતો. આ ગુનામાં ટાન્ઝાનિયામાં જામીનની કોઈ જોગવાઈ નથી. તેમના પર આતંકવાદીઓને નાણાં આપવા અને આતંકવાદનું ષડયંત્ર રચવાના બે કાઉન્ટ મૂકાયા છે.
તેમના ઘરની તલાશી દરમિયાન મળેલા લેપટોપ અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા.
ચાડેમાએ જણાવ્યું હતું કે તેમના પર કિસુ કોર્ટમાં આતંકવાદી ગુનાઓ માટે આરોપો મુકવામાં આવ્યા હતા. તે સમયે કોર્ટમાં તેમનો પરિવાર કે વકીલો હાજર નહોતા. બંધારણમાં સુધારાની માગણી માટે આયોજિત જાહેરસભા અગાઉ ગયા બુધવારે મ્વાંઝામાં પક્ષના ચેરમેન અને ચાડેમાના અન્ય અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. મ્બોવેને દાર - એ - સલામની જેલમાં ટ્રાન્સફર કરાયા હતા.