ડોડોમાઃ ટાન્ઝાનિયાના મુખ્ય વિરોધ પક્ષના નેતા ફ્રીમેન મ્બોવે આતંકવાદના આરોપનો સામનો કરવા માટે કોર્ટમાં હાજર થયા હતા. તેમના સમર્થકો આ કેસને અસંતોષને ડામવાના રાજકીય હેતુસરનો હોવાનું જણાવીને ટીકા કરી રહ્યા છે. ચાડેમા પાર્ટીના ૫૯ વર્ષીય ચેરમેન મ્બોવે બંધારણીય સુધારાની માગ માટે જાહેર ચર્ચા યોજવાના હતા તે અગાઉ પોલીસે રાત્રે છાપો મારીને તેમની તથા પક્ષના અન્ય સિનિયર હોદ્દેદારોની ધરપકડ કરી હતી.
દાર – એ – સલામમાં આવેલી દેશની હાઈ કોર્ટમાં ૩૧ ઓગસ્ટે કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ ટ્રાયલ શરૂ થઈ હતી જોકે, મોટાભાગના પત્રકારોને કોર્ટરૂમમાં પ્રવેશ પર પોલીસે પ્રતિબંધ મૂક્યો હતો.
પ્રેસિડેન્ટ સામિયા સુલુહુ હસનની સરકારે કોવિડ -૧૯ નિયંત્રણો અને સુરક્ષાનો નિર્દેશ કરીને વિદેશી રાજદ્વારીઓને કોર્ટમાં ન આવવા ચેતવણી આપી હતી.
આ સુનાવણી વખતે ચાડેમા પક્ષના સિનિયર નેતાઓ તેમજ બ્રિટિશ અને યુએસ એમ્બેસીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
અગાઉ ૩૦ ઓગસ્ટે મ્બોવે તાજેતરની ધરપકડ અને આરોપો મૂકાવાથી તેમના બંધારણીય અધિકારોનનું ઉલ્લંઘન થયું હોવાના દાવા સાથે ઉચ્ચ કાનૂની અધિકારીઓ સામેના કેસમાં માટે કોર્ટમાં હાજર રહ્યા હતા.
વિપક્ષે દાવો કર્યો કે સરકાર આરોપો રદ કરાવવા તેમાં દરમિયાનગીરી કરી રહી છે. સરકારે આ આક્ષેપોને નકારી કાઢ્યા હતા.