ડોડોમાઃ ટાન્ઝાનિયાના સંરક્ષણ અને નેશનલ સર્વિસ પ્રધાન એલિયાસ ક્વાન્ડિક્વાનું દાર – એ – સલામમાં ૨ ઓગસ્ટે રાત્રે મૃત્યુ થયું હોવાની વાતની પ્રેસિડેન્ટ ઓફિસે પુષ્ટિ કરી હતી. તેઓ ૫૫ વર્ષના હતા.
પ્રેસિડેન્સી દ્વારા નિવેદનમાં જણાવાયું હતું કે આપણે એક મહત્ત્વની વ્યક્તિ ગુમાવી છે. જાહેર સેવા ક્ષેત્રે તેમનું યોગદાન ભૂલી શકાય તેમ નથી. તેઓ સમર્થ નેતા હતા અને તેઓ કાયદો અને નિયમોને સુસંગત રહીને પોતાની ફ્રજ બજાવતા હતા.
ટાન્ઝાનિયા સરકારે તેમના મૃત્યુનું કારણ જણાવ્યું ન હતું.
તેમના મૃત્યુ અગાઉ તેઓ ખાસ કરીને અશાંતિ સર્જાઈ છે તે મોઝામ્બિક સાથેની તેમની બોર્ડર પર સંઘર્ષવિરામ માટે ગયા હતા.
તેઓ ઉશેટુ મતવિસ્તારથી સાંસદ હતા. તેમનો જન્મ ૧જુલાઈ ૧૯૬૬ના રોજ થયો હતો. ઓક્ટોબર ૨૦૧૭થી તેમણે વર્ક્સ, ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન ડેપ્યૂટી મિનિસ્ટર તરીકે ફરજ બજાવી હતી.
તેઓ દેશના મજબૂત વ્યક્તિ જહોન માગુફલીના મૃત્યુ પછી અવસાન પામનારા પ્રથમ ઉચ્ચ સરકારી અધિકારી છે.