ડોડોમાઃ ટાન્ઝાનિયાની સરકારે માનવ અધિકારો અને પર્યાવરણ સંબંધિત ચિંતા ધરાવતા વિવાદી મેગા પ્રોજેક્ટના ભાગરૂપે 3.5 બિલિયન ડોલરની ક્રુડ ઓઈલ પાઈપલાઈનનાં બાંધકામને મંજૂરી આપી દીધી છે. 1,443 કિલોમીટર- (900 માઈલ) ની પાઈપલાઈન નોર્થવેસ્ટર્ન યુગાન્ડામાં લેક આલ્બર્ટમાં વિકસાવાઈ રહેલા વિશાળ તેલક્ષેત્રોમાંથી ક્રુડ ઓઈલનું હિન્દ મહાસાગરમાં આવેલા ટાન્ઝાનિયાના પોર્ટ સુધી વહન કરશે.
ગયા મહિને યુગાન્ડાએ પ્રોજેક્ટ ઓપરેટર ઈસ્ટ આફ્રિકન ક્રુડ ઓઈલ પાઈપલાઈન (EACOP)ને લાયસન્સ જારી કર્યું હતું. 10 બિલિયન ડોલરના ઓઈલફિલ્ડ્સ અને પાઈપલાઈન પ્રોજેક્ટ સામે ભારે વિરોધ થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ ચાઈના નેશનલ ઓફશોર ઓઈલ કોર્પોરેશન, ફ્રાન્સની ટોટલએનર્જીસ અને સરકારી માલિકીની યુગાન્ડા નેશનલ ઓઈલ કંપનીના સંયુક્ત ઉપક્રમે વિકસાવાઈ રહ્યો છે.