દારે સલામઃ ટાન્ઝાનિયાના નેશનલ ઈલેક્શન પંચે આગામી ઓક્ટોબરમાં યોજાનારી સંસદીય અને પ્રમુખપદની ચૂંટણી લડવા વિપક્ષી પાર્ટી ‘ચાડેમા -CHADEMA’ને ગેરલાયક ઠરાવી છે. ડાયરેક્ટર ઓફ ઈલેક્શન્સે જણાવ્યું હતું કે ચાડેમા પાર્ટીએ શનિવાર સુધીમાં કોડ ઓફ કન્ડક્ટ દસ્તાવેજ પર સહી કરી ન હોવાથી પ્રમુખપદ અને પાર્લામેન્ટરી ઈલેક્શનમાં ભાગ લેવા માટે ગેરલાયક ઠરે છે. તેમણે ઉમેર્યું હતું કે આ પ્રતિબંધ 2030 સુધીની કોઈ પણ પેટાચૂંટણી માટે પણ લાગુ રહેશે. અગાઉ ચાડેમા પાર્ટીએ જણાવ્યું હતું કે તેના ચૂંટણીસુધારાના અભિયાનના ભાગરૂપે તે કોડ ઓફ કન્ડક્ટ દસ્તાવેજ પર સહી કરવાના સમારંભમાં ભાગ લેશે નહિ.
ટુન્ડુ લિસ્સુ સામે દેશદ્રોહનો આરોપ
ટાન્ઝાનિયાની કોર્ટે દેશના વિપક્ષી નેતા અને ચાન્ડેમા પાર્ટીના ચેરમેન ટુન્ડુ લિસ્સુ સામે દેશદ્રોહનો આરોપ લગાવાયો છે. લિસ્સુ 9 એપ્રિલ બુધવારે દક્ષિણ ટાન્ઝાનિયાના એમબિન્ગા ખાતે એક જાહેર સભામાં ચૂંટણી સુધારાઓની હાકલ કરી રહ્યા હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. સરકાર વિપક્ષો પર ત્રાટકી રહી હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે ત્યારે ઓક્ટોબરની રાષ્ટ્રીય ચૂંટણીમાં પ્રમુખ સામીઆ સુલુહુ હાસનને ફરી ચૂંટાઈ આવવા વિશે નવો પડકાર ઉભો થશે તેમ મનાય છે.