દારેસ્સ્લામઃ ટાન્ઝાનિયાના પ્રેસિડેન્ટ સામિઆ સુલુહુ હાસને રાજકીય રેલીઓ પર 6 વર્ષથી લાગેલો પ્રતિબંધ હટાવી લીધો છે. પ્રેસિડેન્ટ હાસનના પુરોગામી સ્વર્ગસ્થ જ્હોન માગુફુલીએ સત્તા પર આવ્યાના એક વર્ષ પછી 2016માં રેલીઓથી હિંસા ભડકવાનું કારણ દર્શાવી જાહેર રાજકીય રેલીઓ પર પ્રતિબંધ લાદ્યો હતો.
ટાન્ઝાનિયાના રાજકીય પક્ષોના નેતાઓ સાથે 3 જાન્યુઆરીની બેઠકમાં પ્રેસિડેન્ટ હાસને કહ્યું હતું કે તેમની જવાબદારી રાજકીય પક્ષોની રેલીઓ શાંતિ અને સલામતી સાથે પૂર્ણ થાય તે જોવાની છે જ્યારે રાજકીય નેતાઓની જવાબદારી કાયદાઓનું પાલન કરવાની છે. પ્રેસિડેન્ટે જવાબદારીપૂર્ણ રાજકારણની હિમાયત કરી હતી.
પૂર્વ પ્રમુખ જ્હોન માગુફુલીના 2021માં અવસાન પછી સત્તા પર આવેલાં પ્રેસિડેન્ટ સામિઆ સુલુહુ હાસને પુરોગામીની રાજકીય નીતિઓથી દૂર જવાના પગલાં લીધાં છે. વિરોધપક્ષના કેટલાક રાજકારણીઓના જણાવ્યા અનુસાર રાજકીય રેલીઓ પરનો પ્રતિબંધ દૂર કરવાનું પ્રમુખનું પગલું દેશમાં લોકશાહી માટે પાયા સમાન બની રહેશે. પ્રેસિડેન્ટ હાસને તેમના અગાઉના સંબોધનોમાં લોકશાહી સહિત ટાન્ઝાનિયાને અસર કરતા વિવિધ મુદ્દાઓની વાત કરી છે જેનાથી નવી આશાનો સંચાર થયો છે. જોકે, સુધારાઓનો અમલ તેમના માટે પડકાર બની રહે તેવી શક્યતા છે.