લંડન
દેશમાં દુકાળની સ્થિતિના કારણે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટોમાં વીજળીનું ઉત્પાદન ઘટી જતાં ટાન્ઝાનિયામાં વીજળીનું રેશનિંગ લાગુ કરાયું છે. નેશનલ પાવર કંપનીના જણાવ્યા અનુસાર કેટલાક વિસ્તારોમાં 9 કલાક સુધીનો વીજકાપ લાગુ કરાયો છે. ટાન્ઝાનિયામાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટો, નેચરલ ગેસ વીજ મથકો અને અન્ય સ્ત્રોતો દ્વારા 1695 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. નેશનલ પાવર કંપનીના એમડી મહારાગે ચાન્ડે કહે છે કે હાલ 350 મેગાવોટ વીજળીની ઘટ પડી રહી છે. દુકાળના કારણે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટોમાં વીજઉત્પાદનમાં ઘટાડા અને કેટલાક પાવર સ્ટેશનોમાં ચાલી રહેલા મેન્ટેનન્સના કારણ વીજળીના ઉત્પાદનમાં ઘટ સર્જાઇ છે. કિહાન્સી વીજમથકમાં 180 મેગાવોટના સ્થાને ફક્ત 17 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે.
છેલ્લા કેટલાક વર્ષથી ટાન્ઝાનિયા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટો દ્વારા વીજળીના ઉત્પાદનમાં વધારો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. સિલૌસ જળાશય પરના જુલિયસ ન્યેરેરે ડેમ દ્વારા 2100 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે.
ટાન્ઝાનિયા અને આસપાસના દેશોમા આ વર્ષે પ્રવર્તી રહેલી દુકાળની સ્થિતિના કારણે સરકારને રાજધાની દાર એ સલામમાં પાણીના પૂરવઠામાં કાપ મૂકવાની ફરજ પડી હતી. કેન્યા, ઇથિયોપિયા અને સોમાલિયામાં પણ દુકાળની સ્થિતિ અત્યંત ગંભીર છે.