ડોડોમાઃ પૂર્વ આફ્રિકાના દેશ ટાન્ઝાનિયામાં સપ્તાહોથી પડી રહેલા ભારે વરસાદ અને પૂરના કારણે મૃત્યુઆંક વધીને 155 થયો છે અને આંકડા વધવાની દહેશત છે. પૂરના કારણે 200,000 થી વધુ લોકોને અસર પહોંચી છે. ટાન્ઝાનિયાના તટવર્તી વિસ્તારો અને આર્થિક રાજધાની દારેસલામમાં ભારે ખાનાખરાબી વર્તાવી છે. એપ્રિલના પ્રથમ બે સપ્તાહમાં ભારે વરસાદ અને પૂરના કારણે મૃત્યુઆંક 58 નોંધાયો હતો.
પ્રાઈમ મિનિસ્ટર કાસિમ માજાલિવાએ પાર્લામેન્ટ સમક્ષ જણાવ્યું હતું કે અલ નીનો ક્લાઈમેટ પેટર્નથી વર્તમાન વરસાદી મૌસમને વધુ ભયંકર બનાવી છે. દેશના માર્ગો, પૂલ અને રેલ્વેઝ નેટવર્કનો લગભગ નાશ થયો છે. શાળાઓ બંધ કરી દેવાઈ છે અને પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા અને રાહતકાર્ય માટે ઈમર્જન્સી સેવાઓ કામે લાગી છે. તેમણે જણાવ્યું હતું કે વરસાદના કારણે 51,000થી વધુ પરિવારોને અસર પહોંચી છે. આ લોકોને અન્ન અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો પહોંચાડવા તાકીદ કરાઈ છે.