ડોડોમાઃ ઈસ્ટ આફ્રિકન દેશ ટાન્ઝાનિયામાં પ્રેસિડેન્ટ સામીઆ સુલુહુ હાસન સરકારે સાંસ્કૃતિક અને નૈતિક ધોરણોનું ઉલ્લંઘન થતું હોવાના દાવા સાથે શાળાઓમાં બાળકો માટે સેક્સ એજ્યુકેશનની કેટલીક બૂક્સ પર પ્રતિબંધ જાહેર કર્યો છે.
એજ્યુકેશન મિનિસ્ટર એડોલ્ફ મ્કેન્ડાએ આ જાહેરાત કરતા કહ્યું હતું કે, ‘અમે આ પુસ્તકોને શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રતિબંધિત કરીએ છીએ કારણકે તે દેશના સાંસ્કૃતિક અને નૈતિક માપદંડાથી વિપરીત છે. પ્રતિબંધિત જાહેર કરાયેલાં પુસ્તકોમાં વિશ્વભરમાં લાખો નકલો વેચાઈ છે તેવી અમેરિકન ગ્રાફિક નોવેલ્સની શ્રેણી ‘ડાયરી ઓફ અ વિમ્પઃ ગ્રેગ હેફ્લીઝ લોગબૂક’ નો સમાવેશ થાય છે. સરકારે ટીનેજરને દર્શાવતી આ ‘ડાયરી’ પર શાથી પ્રતિબંધ લગાવાયો છે તેનું કારણ આપ્યું નથી પરંતુ, સ્પષ્ટ કર્યું છે કે જાહેર અને ખાનગી સ્કૂલ લાઈબ્રેરીઝમાંથી તેને દૂર કરાવા ઈન્સ્પેક્શન્સ હાથ ધરાશે. મિનિસ્ટરે ‘અસ્વીકાર્ય’ પુસ્તકોની પ્રથમ યાદીમાં સેક્સ એજ્યુકેશનની ટેક્સ્ટબૂક અને LGBTQIA ગ્રૂપ્સનો ઉલ્લેખ કરતા પુસ્તકોનો સમાવેશ કર્યો હતો.
અગાઉ, પ્રેસિડેન્ટ સામીઆ સુલુહુ હાસને વિદ્યાર્થીનેતાઓને વિદેશથી આવતા ‘આયાતી સંસ્કૃતિઓ’થી અળગાં રહેવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે,‘જો તમે ટાન્ઝાનિયન હો તો આપણી સંસ્કૃતિ અનુસાર જીવન જીવો.’ ઉલ્લેખનીય છે કે આ દેશમાં સજાતીયતાને અપરાધ ગણવામાં આવે છે અને ઓછામાં ઓછાં 30 વર્ષથી આજીવન કેદની સજા થઈ શકે છે.