ડોડોમાઃ ટાન્ઝાનિયાના પ્રેસિડેન્ટ સામીઆ સુહુલુ હાસન સરકારે દેશમાં ઈબોલા જેવા મારબર્ગ વાઈરસનો રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું સ્વીકારી રિસ્પોન્સ પ્રયાસો મજબૂત બનાવાયા હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ દેશના હેલ્થ મિનિસ્ટરે મારબર્ગના કોઈ કેસીસ હોવાનો ઈનકાર કર્યો હતો.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ 14 જાન્યુઆરીએ ટાન્ઝાનિયાના કાગેરામાં મારબર્ગ વાઈરસ રોગચાળાના 9 શંકાસ્પદ કેસ અને પાંચ દિવસમાં 8 વ્યક્તિના મોતનો અહેવાલ જારી કર્યો હતો. જોકે, હેલ્થ વિભાગે ટાન્ઝાનિયાના નોર્થવેસ્ટર્ન વિસ્તાર કાગેરામાં તમામ 24 શંકાસ્પદ કેસ નેગેટિવ હોવાનું જણાવી એક કેસને સમર્થન આપ્યું છે પરંતુ, 8 મોતના અહેવાલનો ખુલાસો કર્યો નથી. મારબર્ગ ભારે ચેપી રોગ છે અને તેના લક્ષણોમાં તાવ, સ્નાયુઓમાં દુખાવા, ઝાડા-ઉલટી તેમજ કેટલાક કિસ્સામાં લોહી ગુમાવી દેવાથી મોતનો સમાવેશ થાય છે.
• નાઇજિરિયન આર્મીએ 76 ઇસ્લામિક આતંકીને ઠાર કર્યા
નાઇજિરિયાની આર્મીએ બોર્નો રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઓપરેશન હાથ ધરી 76 ઈસ્લામિક આતંકવાદીને ઠાર માર્યા હતા. આર્મીએ 7થી 13 જાન્યુઆરી વચ્ચેના ઓપરેશનમાં 72 શકમંદોની ધરપકડ કરવા ઉપરાંત, આતંકીઓ દ્વારા અપહરણ કરાયેલા આઠ બંધકને મુક્ત કરાવ્યા હતા. આર્મીએ આતંકવાદી સંગઠનનું નામ જાહેર કર્યું ન હતું પરંતુ, આ વિસ્તારોમાં બોકો હરામ ગ્રૂપના આતંકવાદીઓ સક્રિય હતા. આ ગ્રૂપ ઈસ્લામિક સ્ટેટ સંગઠન સાથે સંકળાયેલું છે. બોકો હરામ આતંકીઓએ બોર્નો રાજ્યમાં ઓછામાં ઓછા 40 ખેડૂતોની હત્યા કરી છે. આ ઉપરાંત, 2014માં ચીબોક ગામમાંથી 276 સ્કૂલ ગર્લ્સનું અપહરણ કર્યું હતું જેનાથી સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચાયું હતું. ઉત્તરપૂર્વીય નાઇજિરિયામાં 2009થી ચાલતા સંઘર્ષમાં લગભગ 35,000 નાગરિકોના મોત થયા છે અને 20 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.
• કિઝા બેસિગ્યે સામે ‘વિશ્વાસઘાત’નો આરોપ ઉમેરાયો
યુગાન્ડાના મિલિટરી પ્રોસિક્યુટરોએ અગ્રણી વિપક્ષી નેતા અને પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીના પીઢ રાજકીય દુશ્મન કિઝા બેસિગ્યે સામે કેસમાં ‘વિશ્વાસઘાત’ના આરોપનો ઉમેરો કર્યો છે જેના માટે મૃત્યુદંડની સજા થઈ શકે છે. બેસિગ્યેની નવેમ્બર મહિનામાં પડોશી કેન્યામાંથી અટકાયત કરવામાં આવી હતી. તેમને યુગાન્ડા લવાયા હતા અને સિવિલિયન હોવાં છતાં, મિલિટરી કોર્ટમાં ગેરકાયદે શસ્ત્રો ધરાવવા અને દેશની સલામતીની ઉપેક્ષા કરવાના આરોપો લગાવાયા હતા. બેસિગ્યેને 7 જાન્યુઆરીએ કોર્ટના અનાદરના ગુનામાં 9 મહિનાની જેલની સજા ફરમાવાઈ હતી. બેસિગ્યેની પત્ની અને યુએન એજન્સી UNAIDSની એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વિન્ની બાયનયિમાએ તેમના પતિ સામેના આરોપો રાજકીય હેતુસરના હોવાનું જણાવ્યું છે.