ડોડોમાઃ ટાન્ઝાનિયામાં વૈભવી ગેમ રીઝર્વના નિર્માણ માટે સ્થાનિક લોકોને તેમની વંશપરંપરાની જમીનો ખાલી કરાવા સામે થયેલા વિરોધ પ્રદર્શનમાં માસાઈ નેતાઓ અને લોકોની અટકાયત કરાઈ હતી તેમજ સેંકડો લોકો છૂપાઈ ગયા હતા. સેન્ગેટી નેશનલ પાર્કની નજીક લોલીઓન્ડો વિસ્તારમાં ઘર્ષણમાં એક પોલીસ ઓફિસરનું મોત થયાનું પણ કહેવાય છે. NGO ‘પાન-આફ્રિકન લિવિંગ કલ્ચર્સ એલાયન્સ’ દ્વારા ફરકી મોટા પાયે દેખાવોની યોજના જાહેર કરાઈ છે.
નોર્ધર્ન ટાન્ઝાનિયામાં વૈભવી ગેમ રીઝર્વના નિર્માણ માટે શુક્રવાર 10 જૂને 1500 સ્ક્વેર કિલોમીટરની જમીનોનું રેખાંકન કરાઈ રહ્યું હતું ત્યારે વિરોધ શરૂ કરાયો હતો. આ રીઝર્વનું સંચાલન યુએઈની માલિકીની કંપની હસ્તક છે. માસાઈ જાતિના લોકો આ જમીનોને પોતાનું ઘર માને છે. માસાઈ લોકોના જણાવ્યા અનુસાર પોલીસે દેખાવકારો પર ગોળીઓ ચલાવી હતી. સુરક્ષાદળોએ ઘેર ઘેર ફરીને લોકોની ધરપકડો કરી હતી.
અગાઉ, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય દબાણના કારણે માસાઈ લોકોને આ વિસ્તારમાંથી દૂર કરવાના પ્રયાસો નિષ્ફળ ગયા હતા. જોકે, ટાન્ઝાનિયા સરકારે આ વિસ્તાર પર માસાઈ લોકોના દાવાને ફગાવી દેતા વધુ વિસ્તારોને ગેમ રીઝર્વ્સ જાહેર કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. માસાઈ સમુદાયના લોકોએ યુકે, યુએસ અને ઈયુ સરકારોને મદદ માટેના પત્રો પાઠવ્યા છે.