લંડન
ટાન્ઝાનિયાના પ્રમુખ સામિયા સુલુહુ હસને સ્વતંત્રતા દિવસની ઉજવણી રદ કરી તેની પાછળ થનારા ખર્ચની રકમ વિશેષ જરૂરીયાત ધરાવતા બાળકો માટે હોસ્ટેલોના નિર્માણ પાછળ વાપરવાનો આદેશ આપ્યો છે. ટાન્ઝાનિયાના સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે 4,45,000 ડોલરનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. હવે આ નાણા દેશની પ્રાથમિક શાળાઓમાં આઠ હોસ્ટેલોનું નિર્માણ કરવા માટે ખર્ચાશે.
ટાન્ઝાનિયા સરકારના એક મંત્રી જ્યોર્જ સિમ્બાકાવેનેએ જણાવ્યું હતું કે, હોસ્ટેલોના નિર્માણ માટેના નાણાની ફાળવણી કરી દેવાઇ છે. પરેડો અને અન્ય ઉજવણીઓ પાછળ નાણા ખર્ચવાના બદલે સરકાર દેશમાં વિકાસના કામો પાછળ નાણા ખર્ચશે. અમે પ્રાદેશિક અને જિલ્લા સ્તરના આગેવાનો સાથે મળીને હોસ્પિટલો, શાળાઓ, વૃદ્ધાશ્રમ અને વિશેષ જરૂરીયાત ધરાવતા સમુદાયો માટેની સુવિધાઓની સફાઇ અને સ્વચ્છતા જેવી સામાજિક પ્રવૃત્તિઓ સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે હાથ ધરી રહ્યાં છીએ. અત્યાર સુધી ટાન્ઝાનિયામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે પરેડો અને રાજ્ય ભોજનસમારોહ યોજાતાં હતાં.
જોકે ટાન્ઝાનિયામાં આ રીતે પહેલીવાર સ્વતંત્રતા દિવસની ઉજવણી રદ કરાઇ નથી. 2015માં તત્કાલિન પ્રમુખ જ્યોર્જ જ્હોન મગુફુલીએ સ્વતંત્રતા દિવસની ઉજવણી રદ કરીને તેની પાછળ ખર્ચ થનારી રકમ દાર એ સલામમાં સડક પ્રોજેક્ટ પાછળ ખર્ચવાનો આદેશ આપ્યો હતો. 2020માં પણ તેમણે સ્વતંત્રતા દિવસની ઉજવણી રદ કરીને તેના માટેનું ભંડોળ મેડિકલસુવિધાઓ પાછળ ખર્ચ્યું હતું. હાલના પ્રમુખ સામિયા સલુહુ હસન દેશના પ્રથમ મહિલા પ્રમુખ છે.