રિયાધઃ સાઉદી અરેબિયાની એક કોર્ટે સલ્તનતની ટીકા કરતી સોશિયલ મીડિયા પોસ્ટ બદલ સુદાનના ૩૧ વર્ષીય પત્રકાર એહમદ અલી અબ્દેલકરને ચાર વર્ષની કેદ માટે ૮મી જૂને જેલ મોકલી દીધો હોવાનું હયુમન રાઈટ્સ વોચ (HRW) ગ્રૂપે જણાવ્યું હતું. અબ્દેલકર પર સરકારી સંસ્થાઓ અને પ્રતિકોનું અપમાન કરવાનો અને કિંગ્ડમની નીતિઓની ટીકા કરવાનો આરોપ મૂકાયો હતો.
આ આરોપો ટ્વિટ અને ઈન્ટરવ્યૂ સંબંધિત હતા. તેમાં તેણે સુદાનમાં ૨૦૧૮ – ૧૯માં થયેલી ક્રાંતિને સમર્થન આપ્યું હતું અને પોતાના દેશ તથા યમનમાં કાર્યવાહી બદલ સાઉદીની ટીકા કરી હતી.
HRWના ડેપ્યૂટી મીડલ ઈસ્ટ ડિરેક્ટર માઈકલ પેજે જણાવ્યું હતું કે બોગસ આરોપોના આધારે મીડિયા પર્સનાલિટીને જેલ મોકલી દેવાનું પગલું એહમદ અલીએ કરેલી પોસ્ટ કરતાં સાઉદી અરેબિાની નીતિઓ વિશે વધુ નકારાત્મક બોલે છે. તેને ૨૦ દિવસ જેદાહના પોલીસ સ્ટેશનમાં રખાયો હતો અને તે પછી મક્કા નજીક અલ – શુમૈસી ડિટેન્શન સેન્ટર મોકલી અપાયો હતો.