એપવર્થઃ ઝિમ્બાબ્વેના પાટનગર હરારેના દક્ષિણપૂર્વમાં આવેલા પરાંવિસ્તાર એપવર્થમાં ઉછરેલી ૧૭ વર્ષીય લીસા ન્યામ્બુપુએ તેની ઘણી સહેલીઓને નાની વયે લગ્ન કરતાં જોઈ હતી. તેણે પહેલી વખત ટેકવોન્ડો મેટ પર પગ ન મૂક્યો ત્યાં સુધી તેને પણ પોતાનું ભવિષ્ય તેવું જ લાગતુ હતું. ૨૦૧૯માં તેની જ વયની નાત્સીરાઈશે મારિત્સાએ તેને ટેકવોન્ડો ટ્રેનિંગ ક્લાસમાં જોડાવા કહ્યું. તેણે કહ્યું કે નાની ઉંમરે લગ્ન કરવામાં તેને કશું ખોટું લાગતું ન હતું.
૪૫ – ૫૦ કિલો વર્ગની સ્પર્ધામાં ભાગ લેતી ન્યામ્બુપુએ જણાવ્યું કે ટેકવોન્ડો તેના જીવનમાં પરિવર્તન આવશે તેવી તેને આશા આપે છે. તે શિસ્ત, સ્વરક્ષણ શીખી છે અને આ કળા તેને જીવનમાં ઘણું કરવા માટે પ્રેરે છે.
પાંચ સભ્યોના પરિવારમાં જન્મેલી ન્યામ્બુપુએ જણાવ્યું કે પિતાના મૃત્યુ પછી આર્થિક મુશ્કેલીને લીધે તેણે ૧૩ વર્ષની વયે સ્કૂલ છોડી દીધી હતી. તેણે કહ્યું કે પિતા જ ઘરમાં કમાનાર હતા અને માતા તેની સ્કૂલની ફી ચૂકવી શકે તેમ ન હતી.
ઝિમ્બાબ્વે વિશેના યુનિસેફના ૨૦૧૯ના અહેવાલ મુજબ સ્કૂલ ડ્રોપઆઉટ અને ગરીબ પરિવારોની છોકરીઓ ૧૮ વર્ષની થતાં પહેલા પરણી જવાની શક્યતા વધુ હતી.