નાઈરોબી, કમ્પાલાઃ યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આફ્રિકાને હેલ્થ સંબંધિત ભંડોળ રદ કરવાથી કેન્યા, યુગાન્ડા, માલાવી, નાઈજિરિયા સહિત આફ્રિકન દેશોની હોસ્પિટલોમાંથી હજારો ડોક્ટર્સ, નર્સીસ, લેબ ટેક્નિશિયન્સ તથા અન્ય હેલ્થ પ્રોફેશનલ્સની છટણી કરવામાં આવી છે. વર્ષો સુધી વોશિંગ્ટન પર આધાર રાખી રહેલા આફ્રિકી દેશો હવે તેમના હેલ્થ બજેટ્સમાં ખાધ પૂરવા ફાંફા મારી રહ્યા છે. અમેરિકાએ તેની મુખ્ય વિકાસ એજન્સી USAID દ્વારા સહાય પર કાતર ફેરવી દીધી છે.
કેન્યાની સૌથી મોટી રિસર્ચ હોસ્પિટલોમાં એક મોઈ ટીચિંગ એન્ડ રેફરલ હોસ્પિટલના સ્ટાફને 1 ફેબ્રુઆરીથી નોકરી પર હાજર નહિ થવાનો પત્ર મોકલી દેવાયો હતો. આ જ રીતે કિસ્સી રેફરલ હોસ્પિટલના 500 કર્મચારીઓ તેમજ યુએસના ફંડ ધરાવતી યુનિવર્સિટી ઓફ નાઈરોબીની ફેકલ્ટી ઓફ હેલ્થ સર્વિસીસના 1000 કર્મચારીને વિના વેતને ત્રણ મહિનાની રજા આપી દેવાઈ છે. કેન્યાની નેશનલ સીન્ડેમિક ડિસીઝ કન્ટ્રોલ કાઉન્સિલના જણાવ્યા મુજબ કેન્યાની જાહેર અને ખાનગી સંસ્થાઓ, રિસર્ચ સંસ્થાઓમાં 41,000 જેટલા હેલ્થ વર્કર્સ USAID દ્વારા સહાયના આધારે નોકરીઓ પર રખાયેલા છે.
યુગાન્ડામાં 3000 હેલ્થ પ્રોફેશલ્સની છટણી
કેન્યાના પડોશી દેશ યુગાન્ડામાં પણ અમેરિકી સહાયકાપ મૂકાતા યુગાન્ડા મેડિકલ એસોસિયેશને ડોક્ટર્સ, નર્સીસ, લેબ ટેક્નિશિયન્સ તથા અન્ય હેલ્થ પ્રોફેશનલ્સ સહિત3000 હેલ્થ પ્રોફેશલ્સની છટણી કરાઈ હોવાનું જણાવ્યું હતું. વર્ષ 2023માં યુગાન્ડાને 234 મિલિયન પાઉન્ડ (295 મિલિયન ડોલર), નાઈજિરિયાને 290 મિલિયન પાઉન્ડ અને ટાન્ઝાનિયાને 268 મિલિયન પાઉન્ડના હેલ્થ ફંડ્સ અપાયાં હતાં.