કેપટાઉનઃ નેધરલેન્ડ્ઝના કિંગ વિલેમ એલેક્ઝાન્ડર અને ક્વીન મેક્સિમાએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન આફ્રિકામાં ગુલામીપ્રથામાં તેમના પરિવારની ભૂમિકા બાબતે ભારે દેખાવોનો સામનો કરવો પડ્યો હતો. કિંગ વિલેમ અને ક્વીન મેક્સિમાએ શુક્રવાર 20 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનના સ્મારક સ્લેવ લોજની મુલાકાત લીધી ત્યારે સ્થાનિક લોકોએ નેધરલેન્ડ્ઝ દ્વારા 150 વર્ષના સંસ્થાનવાદી શાસનમાં કરાયેલા અત્યાચારો બદલ સીધી માફી અને વળતરની માગણી સાથે દેખાવો કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે કિંગે અગાઉ ગુલામીપ્રથા અને સંસ્થાનવાદમાં તેમના પરિવારની ભૂમિકા બાબતે માફી માગી હતી પરંતુ, લોકો સરકાર પાસેથીથી સીધી માફીની માગણી કરી રહ્યા છે. ડચ સંસ્થાનવાદીઓએ હજારો એશિયનો અને આફ્રિકનોને ગુલામ બનાવ્યા હતા. સંસ્થાનવાદીઓએ 350 વર્ષ અગાઉ સ્થાનિક ખોઈ અને સાન વસાહતીઓને તેમના સ્થળોએથી હાંકી કાઢ્યા હતા. આ જ્ગ્યા પર કેપ ટાઉન વસાવાયું છે.