કમ્પાલા, નવી દિલ્હીઃ ભારતના વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકર 10 એપ્રિલ સોમવારે યુગાન્ડાની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે આવી પહોંચ્યા હતા. યુગાન્ડાના ફોરેન મિનિસ્ટર જનરલ જેજે ઓડોન્ગો, મિનિસ્ટર ઓફ ડિફેન્સ એન્ડ વેટરન્સ એફેર્સ વિન્સેન્ટ સેમ્પિજ્જા અને ભારતના હાઈ કમિશનર અજય કુમારે તેમનું સ્વાગત કર્યું હતુ. વિદેશપ્રધાન જયશંકરે યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીની મુલાકાત લઈ તેમની સાથે ચર્ચા પણ કરી હતી.
ડો. એસ. જયશંકર ભારત અને યુગાન્ડા વચ્ચેના સંબંધો મજબૂત બનાવવા તેમજ સહકારના નવા ક્ષેત્રો તલાશવા આવ્યા છે. પ્રમુખ મુસેવેનીએ કહ્યું હતું કે યુગાન્ડા અને ભારત લાંબા સમયથી મજબૂત દ્વિપક્ષી સંબંધો ધરાવે છે. તેમણે મુલાકાતી વિદેશ પ્રધાનને ખાતરી આપી હતી કે યુગાન્ડા વેલ્યુ એડિશનને સંબંધ છે ત્યાં સુધી એગ્રો બિઝનેસ અને મિનરલ્સના ક્ષેત્રે ભારત સાથે કામ કરવા ખુલ્લું મન ધરાવે છે.
યુગાન્ડાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરની 10થી 12 એપ્રિલ સુધીની સત્તાવાર મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ બંને દેશો વચ્ચે ઉત્કૃષ્ટ અને સુમેળભર્યા દ્વિપક્ષી સંબંધોને વધુ આગળ લઈ જવાનો છે. તેઓ બંને દેશ વચ્ચે આર્થિક અને દ્વિપક્ષી સંબંધોને મજબૂત બનાવવા ઉપરાંત ચાવીરૂપ વેપાર મંત્રણાઓ પણ કરશે.
ડો. એસ. જયશંકર જિન્જામાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)ના ટ્રાન્ઝીટ કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. ભારતની બહાર NFSUના સર્વપ્રથમ કેમ્પસ સ્થાપવા ભારત અને યુગાન્ડા સરકાર વચ્ચે દ્વિપક્ષી MoU પર પણ હસ્તાક્ષર થવાની સંભાવના છે. તેઓ યુગાન્ડામાં સોલાર પાવર્ડ વોટર સપ્લાય પ્રોજેક્ટના ખાતમૂર્હુત સમારંભમાં પણ હાજરી આપશે. ભારતના વિદેશ પ્રધાન યુગાન્ડાની ટ્રેડ અને બિઝનેસ કોમ્યુનિટીને સંબોધન કરશે તેમજ ભારતીય ડાયસ્પોરા સાથે વાતચીત પણ કરશે.
લગભગ 50 મિલિયનની વસ્તી ધરાવતા યુગાન્ડામાં આશરે 30,000 ભારતીયો વસે છે જેઓ કુલ વસ્તીના 1 ટકાથી પણ ઓછા છે છતાં, ટેક્સીસના સ્વરૂપે સરકારની આવકમાં 65 ટકાનો હિસ્સો આપે છે. યુગાન્ડાની ભારતીય ફર્મ્સે એગ્રીકલ્ચરથી માંડી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં રોકાણો કર્યા છે. મોટી ફર્મ્સમાં યુગાન્ડામાં જન્મેલા સુધીર રુપારેલિયાની આગેવાની હેઠળના 800 મિલિયન ડોલરનું મૂલ્ય ધરાવતા રુપારેલિયા ગ્રૂપ અને માધવાણી ગ્રૂપનો સમાવેશ થાય છે. ડો. જયશંકરની મુલાકાત યુગાન્ડામાં ખાસ કરીને હેલ્થ, આઈટી અને એગ્રિકલ્ચર સહિતના સેક્ટર્સમાં વધુ રોકાણોનો માર્ગ મોકળો બનાવે તેવી શક્યતા છે.
દ્વિપક્ષી સંબંધો મજબૂતી સાથે વધી રહ્યા છેઃ હાઈ કમિશનર નિમિષા માધવાણી
યુનાઈટેડ કિંગ્ડમમાં યુગાન્ડાના હાઈ કમિશનર નિમિષા જે માધવાણીએ ભારતના વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરની યુગાન્ડા મુલાકાતના સંદર્ભે જણાવ્યું હતું કે,‘ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે 2011માં અને વડા પ્રધાન તરીકે જુલાઈ 2018માં યુગાન્ડાની મુલાકાત લીધી હતી તેનું આ પરિણામ છે. યુગાન્ડા, ભારત અને યુગાન્ડન એશિયનો વચ્ચેના દ્વિપક્ષી સંબંધો સતત મજબૂતાઈ સાથે વધતા જ રહ્યા છે. ભારતના વિદેશ પ્રધાન યુગાન્ડાના જિન્જામાં ભારતની બહાર ભારત દ્વારા નિર્માણ કરાયેલી સૌપ્રથમ ફોરેન્સિક ઈન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન કરશે.’