લંડન
તાન્ઝાનિયામાં રવિવારે ખરાબ હવામાનના કારણે પ્રિસિઝન એરલાઇન્સનું એક ડોમેસ્ટિક પેસેન્જર પ્લેન લેક વિક્ટોરિયામાં ખાબકતાં 3 પ્રવાસીનાં મોત થયાં હતાં. દેશની ઉત્તરપશ્ચિમે આવેલા બુકોબા શહેરમાં ઉતરાણના થોડા જ સમય પહેલાં આ દુર્ઘટના સર્જાઇ હતી. બુકોબા એરપોર્ટ ખાતે પ્રાદેશિક પોલીસ કમાન્ડર વિલિયમ મ્વામ્પાઘલેએ પત્રકારોને જણાવ્યું હતું કે, એરપોર્ટથી ફક્ત 100 મીટર દૂર ઉતરાણ પહેલાં આ વિમાન લેક વિક્ટોરિયામાં ખાબક્યું હતું. વિમાનમાં ચાલકદળના સભ્યો સહિત 49 લોકો સવાર હતા. આ વિમાન તાન્ઝાનિયાની રાજધાની દાર એ સલામથી લેક વિક્ટોરિયાના કિનારે આવેલા બુકોબા જઇ રહ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને અમે દુર્ઘટનાના સમાચાર મળતાં જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. બચાવ કર્મીઓ દ્વારા 26 પ્રવાસીઓને બચાવી લેવાયાં હતાં. પ્રિસિઝન એર તાન્ઝાનિયાની સૌથી મોટી પ્રાઇવેટ એરલાઇન કંપની છે. તાન્ઝાનિયામાં પાંચ વર્ષ બાદ આ હવાઇ દુર્ઘટના નોંધાઇ છે. પાંચ વર્ષ પહેલાં એક સફારી કંપનીનું નાનુ વિમાન ઉત્તર તાન્ઝાનિયામાં તૂટી પડતાં 11 પ્રવાસીનાં મોત થયાં હતાં.