નાઈરોબીઃ કેન્યાની એક કોર્ટે હત્યા કરાયેલી ઓલિમ્પિક ખેલાડી એગ્નીસ તિરોપના પતિ ૧૬ નવેમ્બરે પ્લી રેકર્ડ કરાવે તે પહેલા મોઈ ટીચીંગ એન્ડ રેફરલ હોસ્પિટલ ખાતે તેના માનસિક સ્વાસ્થ્યની ચકાસણી કરાવવા આદેશ આપ્યો હોવાનું એલ્ડોરેટની હાઈ કોર્ટના ડેપ્યૂટી રજિસ્ટ્રાર ડાયના મિલીમોએ જણાવ્યું હતું. તેની સામેના હત્યાના આરોપોને સાબિત કરવા માટે પૂરતા પૂરાવા હોવાના લોઅર કોર્ટે આપેલા ચૂકાદા પછી આ આદેશ આવ્યો હતો.
સરકારી પ્રવક્તા જુડીથ આયુમાએ જણાવ્યું હતું કે કોર્ટને મળેલા ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ, સરકારી કેમીસ્ટ અને મ્પેસા એનાલિસીસ રિપોર્ટ્સના આધારે ચોક્કસપણે કહી શકાય કે તેમની પાસે એગ્નીસ તિરોપના હત્યાના મામલે શકમંદ કે બચાવપક્ષ સામેના આરોપો પૂરવાર કરવા માટે પૂરતા પૂરાવા છે.
ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ કેન્યામાં ૨૩ ઓક્ટોબરે વ્હાઈટ કાસ્કેટમાં તિરોપના પાર્થિવ દેહની દફનવિધિ કરાઈ હતી. તે જીવિત હોત તો તે દિવસે તેણે ૨૬મો જન્મદિન ઉજવ્યો હોત.
તિરોપના મૃત્યુના સંદર્ભમાં જાણીતા વર્તમાન અને ભૂતપૂર્વ રનર્સે પણ યુવા મહિલા એથ્લેટ્સ જે સ્થિતિ વેઠી રહી છે તેની વાત કરી હતી. તેમાંની ઘણી મહિલાના માથે મોટા પરિવારના ભરણપોષણની જવાબદારી હોય છે. કોચ, એજન્ટ અને તેમની નીકટની વ્યક્તિ દ્વારા પણ તેમનું શોષણ થાય છે.
તિરોપની દફનવિધિ પહેલા ફાધર ડોમિનિક રાતેમોએ જણાવ્યું હતું કે મૌન રહીને આ બધું સહન કરવું જોઈએ નહીં. તિરોપનું મૃત્યુ ખૂબ નાની વયે થયું છે.